Fri Sep 11 2026

Logo

અમદાવાદના વાડજમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો

2026-03-26 22:27:46
Author: Devayat Khatana
અમદાવાદના વાડજમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
શહેરના વાડજ વિસ્તારમાં જૂના પગારની લેતીદેતી અને અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની ઘટના સામે આવી હતી. ફરિયાદી રાજ બારોટે પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે વિશાલ વાણીયા નામના શખ્સે તેને ફોન કરીને વાડજની સંજીવની હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. રાજ ત્યાં પહોંચતા જ વિશાલ અને નયન સાગડીયા તેને જબરદસ્તીથી ક્રેટા ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ યુવકનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો.

અપહરણ બાદ આરોપીઓ રાજને ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા, જ્યાં અગાઉથી હાજર પિન્ટુ મકવાણા, હર્ષ મોભ, પ્રકાશ વાણીયા અને ધવલ નામના શખ્સોએ ભેગા મળીને તેને ગાળો આપી ઢોર માર માર્યો હતો. નયન અને પિન્ટુએ પોતાના કમરના પટ્ટા કાઢીને રાજને માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓ તેને ગોતા તળાવ પાસે લઈ ગયા હતા, જ્યાં હર્ષના ભાઈ મિહીર મોભે આવીને ફરીથી તેની સાથે મારપીટ કરી હતી.

માર માર્યા બાદ આરોપીઓ રાજને ફરી સંજીવની હોસ્પિટલ પાસે લાવ્યા હતા, જ્યાં ડરના માર્યા તેની પાસે બળજબરીથી નિવેદન બોલાવી નયને તેનો વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું. અંતે નયને રિક્ષાવાળાને રૂ. ૨૦૦ ઓનલાઈન આપી રાજને રવાના કર્યો હતો. હાલ વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.