Fri Sep 11 2026

Logo

ગુજરાત બજેટઃ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે, ₹૧૨૭૮ કરોડની જોગવાઇ

2026-02-18 15:47:58
Author: Mayur Patel
ગુજરાત બજેટઃ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે, ₹૧૨૭૮ કરોડની જોગવાઇ

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં કહ્યું,​ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે.

​આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

​રાજ્યની ૪૮% થી વધુ વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવાક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે. આવાસ યોજના, સ્માર્ટ સીટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. 

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવામાં આવી છે.

પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.