અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનો રોમાંચ માણવા આવતા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આઈપીએલની મેચ વખતે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન રાત્રે 12.30 કલાક સુધી ગોડશે. આ ઉપરાંત મેટ્રોએ IPL ફેન્સ માટે ખાસ ટિકિટ જાહેર કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આઈપીએલની સાત મેચ રમાશે. આ તમામ દિવસોએ મેટ્રો રાત્રે 12.30 કલાક સુધી દોડશે. GMRCએ મેચને લઈ મેટ્રોને મોડી રાત સુધી દોડાવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો સેવા સવારે 6.20 થી રાતના 10 સુધી છે, જ્યારે ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી સવારે 7.30 થી સાંજે 7.40 સુધી મેટ્રો મળે છે.
મેટ્રોએ IPL ફેન્સ માટે ખાસ ટિકિટ જાહેર કરી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદના બંને કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી APMC અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ) પર સ્થિત કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત, મુસાફરોને સરળ અને કોઈ પણ મુશ્કેલી વગરની મુસાફરી સુવિધા આપવા માટે GMRC એ એક ખાસ પેપર ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટનો ઉપયોગ IPL-T20 ના ડે/નાઈટ ક્રિકેટ મેચોના દિવસોમાં પરત મુસાફરી માટે કરી શકાશે. આ ટિકિટની કિંમત 50 રૂપિયા રહેશે.
Gujarat Metro Rail Corporation announces extended metro timings till 00:30 hrs on IPL day/night match days. Special ₹50 paper ticket available for return journeys from Motera Stadium and Sabarmati Metro stations. pic.twitter.com/y6HnKweMFP
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) April 2, 2026
આ સ્ટેશનો પર મળશે ટિકિટ
આ ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી (બંને કોરિડોર પર) અને ગાંધીનગરમાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધી, મેટ્રોના વધારવામાં આવેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે કરી શકાશે. મેટ્રોના જણાવ્યા અનુસાર, મોટેરાથી પરત ફરતી વખતે લાઈનમાં ઉભા રહેવાનું ટાળવા માટે, આ ખાસ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી જ નિરંત ક્રોસ રોડ, રબારી કોલોની, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-1, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પરથી ખરીદી શકાશે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ
અમદાવાદમાં રમાનારી આઈપીએલ મેચને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ મેચના દિવસોએ જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઇ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.