અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં રમાયેલી આઈપીએલ-2026ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની જીતે ગુજરાતીઓને નિરાશ કર્યા, પરંતુ અમદાવાદ મેટ્રોને આઈપીએલ ફાઈનલ ફલી હતી. લગભગ બે લાખ આસપાસ મુસાફરોએ મેટ્રોની સેવા રવિવારે લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ 31 મેના રોજ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઈપીએલ 2026 ની ફાઇનલ દરમિયાન મુસાફરોના ટ્રાફિકમાં અગાઉના રવિવારની તુલનામાં 66% વધારો નોંધાયો હતો.
જીએમઆરસીના જણાવ્યા મુજબ, રવિવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કમાં કુલ 1,95,868 મુસાફરોએ મુસાફરી કરી હતી, જે 24 મેના રોજ નોંધાયેલી 1,17,939 મુસાફરીઓથી વધુ છે. આઈપીએલ ફાઇનલ જોવા આવતા ક્રેકિટચાહકો મેટ્રોનો ઉપયોગ કરે છે તે વાતની જાણ મેટ્રો રેલને છે જ અને તેથી તેમણે 62 એકસ્ટ્રા મેટ્રો રાઈડ ચલાવી હતી.
શરૂઆતમાં મેટ્રો સેવાઓ રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મેચ પછી સ્ટેડિયમથી પરત ફરતા મુસાફરોને સુવિધા આપવા માટે સેવાઓને વધુ લંબાવવામાં આવી હતી. મોટેરા મેટ્રો સ્ટેશનથી એપીએમસી તરફની છેલ્લી ટ્રેન મોડી રાત્રે ૨:૧૯ વાગ્યે ઉપડી હતી, જ્યારે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન રાત્રે ૨:૪૫ વાગ્યે ઉપડી હતી. મોટેરાથી ગાંધીનગર તરફની છેલ્લી ટ્રેન રાત્રે ૧૨:૨૪ વાગ્યે ઉપડી હતી.
૩૧ મેના રોજ કુલ મુસાફરોમાંથી, મેટ્રો નેટવર્કના તબક્કા-૧ માં ૧,૭૭,૧૦૬ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ૨૪ મેના રોજ ૧,૦૩,૫૪૫ હતી અને તબક્કા-૨માં ૧૮,૭૬૨ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે એક અઠવાડિયા પહેલા ૧૪,૩૯૪ હતી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.