અમદાવાદ: અમદાવાદના સૌથી વ્યસ્ત એવા રેવડી બજારમાં ભરબપોરે ભીષણ આગ લાગતા વેપારીઓના જીવ પડિકે બંધાયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી હતી. મોટાભાગની દુકાનો કપડા હોવાના કારણે આગ વધુ ફેલાઈ હોવાની આશંકા છે. જો કે, આગ લાગ્યાનું કારણ હજી અકબંધ છે. આ આગના કરાણે 30થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
32 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગને કાબૂમાં લેવા માટે અત્યારે 32 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ એટલી વિકરાળ બની ગઈ છે કે, ચારેય બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર અને ચીફ ફાયર ઓફિસર પણ રેવડી બજારમાં આવી ગયાં છે.
કાપડની દુકાનોના કારણે આગ વધારે ઉગ્ર બની
મહત્વની વાત એ છે કે, રેવડી બજારમાં મોટાભાગની દુકાનો કાપડની છે. જેના કારણે આગ વિકરાળ બની હોઈ શકે છે, જો કે, આગના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યાં નથી. અત્યારે તો આગ કઈ રીતે લાગી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. બપોર 12.30 વાગ્યાની આસપાસ આગ લાગી હજી જેણે પછી 30 દુકાનોને ચપેટમાં લીધી હતી. આ મામલે વેપારીઓ સૌથી વધારે ચિંતત છે. આગના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
અમદાવાદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યાં પ્રમાણે રેવડી બજારમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ ફાયર વિભાગ હજી પણ પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.