Fri Jun 19 2026

Logo

અમદાવાદના ગીતામંદિરમાં ગેસ એજન્સીમાં આગ બાદ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

2026-06-19 19:19:26
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ શહેરના ધમધમતા એવા ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી એક ગેસ એજન્સીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ધટના બાદ બ્લાસ્ટ પણ થયો હતો, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. 

મળતી વિગતો અનુસાર, અમદાવાદના શહેરના સતત ધમધમતા રહેતા ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી એક ગેસ એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી, આગની ઘટના બાદ બ્લાસ્ટ પણ થયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો હતો અને તે કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યુ હતું. 

બનાવની જાણ થતાની સાથે, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સિલિન્ડરોનો સંગ્રહ કરેલો હોઈ જો રાહત કામગીરીમાં થોડો પણ વિલંબ થયો હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાય હોત. આ બનાવમાં બે લોકોને ઈજાઓ પંહોચી હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, શહેરના સતત ધમધમતા રહેતા ગીતામંદિર જેવા વિસ્તારમાં આગની ધટનાએ લોકાની સુરક્ષા મુદ્દે પ્રશ્નો ખડા કર્યા હતા.