Mon Sep 14 2026

Logo

કોમનવેલ્થ અને ઓલિમ્પિક બાદ હવે 2038ની એશિયન ગેમ્સ માટે પણ અમદાવાદ રેસમાં મોખરે

2026-04-25 16:29:54
Author: Mayur Patel
કોમનવેલ્થ અને ઓલિમ્પિક બાદ હવે 2038ની એશિયન ગેમ્સ માટે પણ અમદાવાદ રેસમાં મોખરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ગુજરાત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન છે, ત્યારે હવે વર્ષ 2038માં યોજાનાર એશિયન ગેમ્સના આયોજન માટે પણ અમદાવાદ પ્રબળ દાવેદાર હોવાના સંકેત છે. વર્ષ 2038માં યોજાનાર એશિયન ગેમ્સ માટે ભારતે સત્તાવાર રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સીઈઓ રઘુરામ અય્યરે પુષ્ટિ કરી હતી કે આ પ્રસ્તાવ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાને મોકલી દેવામાં આવ્યો છે અને ચીનમાં મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે દક્ષિણ કોરિયા અને મોંગોલિયા જેવા દેશો પણ આ યજમાનીની રેસમાં છે, પરંતુ ભારતની મજબૂત દાવેદારીને જોતા વર્ષ 2028 સુધીમાં યજમાન શહેર અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત માટે આ સમાચાર અત્યંત મહત્વના છે કારણ કે અમદાવાદ શહેર 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન છે અને 2036ના ઓલિમ્પિક બિડ માટે પણ ભારતનું મુખ્ય કેન્દ્ર છે. જો ભારતને 2038ની એશિયન ગેમ્સની યજમાની મળશે, તો અમદાવાદ ફરી એકવાર સૌથી પ્રબળ દાવેદાર શહેર તરીકે ઉભરી આવશે તેવા સંકેતો છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ એ વિશ્વની સૌથી મોટી મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ પૈકીની એક છે, જેમાં ઓલિમ્પિક કરતાં પણ વધુ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. વર્ષ 1982 પછી ભારતે આ રમતોત્સવનું આયોજન કર્યું નથી, ત્યારે અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ગુજરાત આ ઐતિહાસિક તક ઝડપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહ્યું છે.