Tue Aug 25 2026

Logo

સુરત પછી અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો, જાણી કેટલી તીવ્રતા અને એપી સેન્ટર

2026-07-30 09:06:00
Author: Mayur Patel
સુરત પછી અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો, જાણી કેટલી તીવ્રતા અને એપી સેન્ટર

અમદાવાદઃ વરસાદી માહોલ વચ્ચે સુરત પછી અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમદાવાદ પંથકમાં વહેલી સવારે 4:39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દુર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયું હતું.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.  ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. 

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા પ્રમાણમાં નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જોકે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં લોકોને હળવો ધ્રુજારો અનુભવાયો હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાત ભૂકંપ સંવેદનશીલ રાજ્ય હોવાથી સમયાંતરે નાના-મોટા આંચકા નોંધાતા રહે છે.

સુરતમાં અઠવાડિયા પહેલાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. રાત્રે 11 કલાક આસપાસ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 42 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. 

આ પહેલા ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ સિસ્મિક ઝોન-૬માં સમાવાયેલા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં અષાઢી બીજના મહાપર્વની ઉજવણી વચ્ચે ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. માત્ર ત્રણ મિનિટના ટૂંકા ગાળામાં સરહદી પંથકની ધરા ધ્રુજી ઉઠતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા અનુક્રમે 3.6 અને 3.2 નોંધાઈ હતી. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2.20 કલાકે ખાવડાથી નજીક નોંધાયો હતો, જેની તીવ્રતા 3.6ની હતી. ત્યારબાદ બરાબર ત્રણ મિનિટ બાદ, એટલે કે બપોરે 2.23 કલાકે વૈશ્વિક વિરાસત ધરાવતી ઐતિહાસિક સાઇટ ધોળાવીરા અને તેની આસપાસના વિસ્તારોમાં 3.2ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.