Wed Aug 19 2026

Logo

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે બ્રીડિંગ રેકેટનો પર્દાફાશ...

2026-03-01 18:59:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે નવરંગપુરા વિસ્તારમાં આવેલા રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.  રહેણાંક ફ્લેટની અંદર અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓનું પ્રજનન તેમજ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા અનેક દુર્લભ જીવો કબજે કર્યા હતા.

તપાસ દરમિયાન ફ્લેટના પાંજરાઓમાંથી અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, ૭ પર્સિયન કેટ, ૧૪ હેમ્સ્ટર અને ૧૫ જેટલા મીની લોપ સસલા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આકાશમાં મુક્ત વિહરતા ૬ આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ૩ એક્લેક્ટસ પેરોટ અને સલ્ફર કોકાટુ જેવા મોંઘા પક્ષીઓ પણ પાંજરામાં કેદ હાલતમાં મળી આવ્યા હતા. આ જીવોની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત લાખોમાં હોવાનું માનવામાં મનાય રહ્યું છે.

કાયદાકીય પાસાઓની વાત કરીએ તો, આરોપી દ્વારા રજૂ કરાયેલા 'પરિવેશ' પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ અને અધૂરા જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ વૈજ્ઞાનિક સુવિધા કે બાયોસિક્યુરિટી વગર આટલી મોટી સંખ્યામાં જંગલી જીવો રાખવા એ ગંભીર ગુનો છે. નિષ્ણાતોના મતે, આ રીતે પ્રાણીઓને રાખવાથી 'ઝૂનોટિક' રોગો ફેલાવાનું જોખમ રહે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ રેકેટની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર જાણ કરી હતી અને હવે આ ત્રણેય વિભાગો સંયુક્ત રીતે આયાતની કાયદેસરતા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવા બદલ પણ કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.