અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. આ સમયે ગઇકાલે ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણીની ઉમેદવારીમાં ટિકિટ આપવાની બાબતે અનેક રાજકીય પાર્ટીઓમાં ભડકો બળ્યો હતો, અમુક પાર્ટીમાં એવા પણ આક્ષેપ થયો હતો કે માત્ર મોટી વગ ધરાવતા નેતાઓને જ ટિકિટ આપવામાં આવી છે તો અમુક પાર્ટીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસના એક કોર્પોરેટરનો કિસ્સો જોવા જેવો છે.
અમદાવાદ મહાનગર પાલિકાના શાહપુર વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ આશાબેન દંતાણીને ટિકિટ આપી છે. જો કે આશાબેન દંતાણી કોઈ મોટા ઉદ્યોગપતિ, વ્યાપારી નથી પણ તેઓ ગુજરી બજારમાં પાથરણા લગાવીને વેપાર કરે છે. જો કે આજે રવિવાર હોવાથી આશાબેન ગુજરી બજારમાં પાથરણા લગાવીને વેપાર કરવા માટે પહોંચ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
આ કોંગ્રેસ ના શાહપુર ના ઉમેદવાર આશા બેન દંતાણી છે જે આજે રવિવાર હોવાથી ગુજરી બજારમાં પાથરણા લગાવી ને વેપાર કરી રહ્યા છે. pic.twitter.com/v43NF3Isf4
— Gujarat Congress (@INCGujarat) April 12, 2026
જો કે આ સિવાય અન્ય ઉમેદવારોની સ્ટોરી પણ નોંધવા જેવી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન (એમએમસી) ની ચૂંટણી માટે રમેશ ભીલને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રમેશ ભીલનું નામ ચર્ચામાં છે કારણ કે તેઓ છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ મુખ્યાલય પંચામૃતમાં પટાવાળા તરીકે સેવા આપી રહ્યા છે. લગભગ ત્રણ દાયકાની પક્ષના કાર્યાલયમાં રોજ દેખાતા, એક્ટિવ રહેતા ભીલની પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ તેમને મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભીલે કહ્યું હતું કે 28 વર્ષથી હું પાર્ટી કાર્યાલયમાં કામ કરી રહ્યો છું. મારા કામની કદર કરવા બદલ હું કૃતઘ્નતા અનુભવું છું.
માત્ર મહેસાણા જ નહીં, અન્ય અમુક શહેરોની બેઠકોના ઉમેદવારો પણ ચર્ચામાં છે. જેમાં લોકડાયરા ગાયક માયાભાઈ આહિરની દીકરી સોનલબેન મોનીલભાઈ ડેરે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. સોનલબેન અમરેલી જિલ્લાના આગેવાન જીતુ ડેરનાં પુત્રવધુ છે. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા.
આ સાથે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર ૨ માંથી ૨૧ વર્ષીય વિદ્યાર્થિની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે. હાલ બી.એસસી. નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા નકુમ પર ભરોસો મૂકી ભાજપે માત્ર અનુભવના નામે ઉંમરલાયકને ટિકિટ આપવાની પરંપરા તોડી છે. આ સાથે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) ઈન્ફલુએન્સર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. અંકિતા જીમ ચલાવે છે અને સોશિયલ મીડિયા પર નોંધપાત્ર પ્રેઝન્સ ધરાવે છે. જોકે તેની ઉમેદવારીએ વિવાદ પણ જગાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.