Fri Apr 17 2026

Logo

અમદાવાદમાં રાજ્યકક્ષાના પ્રધાન દર્શનાબેન વાઘેલાના મત વિસ્તારમાં ભાજપ ભગાવોના નારા લાગ્યા

2026-04-17 11:36:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન શહેરમાં રાજ્યકક્ષાના પ્રધાન દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવામાં ભાજપ ભગાવોના નારા લાગ્યા હતા. અસારવા વોર્ડના રિપીટ કરાયેલા કોર્પોરેટર અનુબેન પટેલે ગેરવર્તન કર્યું હતું, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરી અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા.

મળતી વિગત પ્રમાણે, ગઈકાલે  ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ અસારવા વોર્ડમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જે સમયે સ્થાનિકોએ તેમને અહીંયા મત માંગવા આવતા શરમ આવવી જોઈએ તેમ પરખાવ્યું હતું. સ્થાનિકોએ કહ્યું, પાંચ વર્ષમાં એકેય અહીં ફરક્યા નથી અને મત માંગવા આવ્યા છો. 

આ ઉપરાંત સ્થાનિકોએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ગંદુ પાણી આવે છે. મારી દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને બાટલા ચડાવી પરીક્ષા આપી ત્યારે કોઈ જોવા પણ નહોતું આવ્યું. આ વિસ્તારમાં શું સમસ્યા છે, ક્યાં ખાડા પડ્યા છે તેની પણ ખબર નથી. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. અમે હેરાન થઈ રહ્યા છીએ, વોટ લેવા આવતા પણ શરમ આવવી જોઈએ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ટોચના 10 ધનિક ઉમેદવાર પૈકી 9 ભાજપના, 1 કોંગ્રેસના છે. CA, ડોક્ટર, ઈજનેર, IIM પાસઆઉટ પણ મેદાને છે. સોગંદનામા મુજબ, થલતેજ ભાજપના હિતેશ બારોટ 109 કરોડ સાથે સૌથી ધનિક છે, જ્યારે અસારવા ભાજપના ઉમેદવાર રિક્ષા ચલાવે છે.