Wed Aug 19 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કિંજલ રબારી પછી કંકુ ચૌધરી: ટોળાશાહીનો મદ ક્યાં લઈ જશે?

2026-03-19 09:51:00
Author: Mumbai Samachar Team
Article Image

ભરત ભારદ્વાજ

ગુજરાતમાં હમણાં જબરદસ્ત સર્કસ ચાલી રહ્યું છે ને જ્ઞાતિની આબરૂના નામે બંધારણના લિરેલિરા ઉડાવાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જાણીતી ગાયિકા કિજંલ રબારીનાં પ્રેમલગ્ને બબાલ ઉભી કરેલી ને રબારી જ્ઞાતિએ જબરદસ્ત દબાણ ઊભું કરીને કિંજલને નાકલીટી તણાવીને અશોક ચૌધરી નામના આંજણા પટેલ સમાજના છોકરા સાથે કરેલાં લગ્ન ફોક કરવાની ફરજ પાડી હતી. કિંજલને જાત જાતની ધમકીઓ મળી પછી એ પોતાના મા-બાપને ઘેર પાછી ફરી છે અને પોતાનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકારીને સમાજની માફી માગી લીધી છે.

હવે ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે અને કંકુબેન ચૌધરી નામની યુવતીએ રબારી યુવક સાથે લગ્ન કર્યાં તેની સામે વાંધો લઈને કંકુબેન ચૌધરીને પાછાં લાવવા માટે રબારી સમાજને અલ્ટિમેટમ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી એક દીકરો પણ થયો છે.

કિંજલનો વિવાદ ચગ્યો ત્યારે અચાનક જ કંકુબેનનો કિસ્સો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ ગયેલો. ચૌધરી સમાજના કેટલાક આગેવાનોઓ આ વાત પકડી લીધી ને રવિવારે ભાભરના રુણી ગામે મહાસંમેલન યોજીને ઠરાવ કરી નાંખ્યો કે, આગામી પાંચ દિવસમાં સમાજના આગેવાનો ચૌધરી દીકરીને પાછી તેનાં મા-બાપ પાસે લઈ આવશે. આ ઠરાવ પ્રમાણે, ચૌધરી સમાજના આગેવાનો પાંચ દિવસ દરમિયાન રબારી સમાજના આગેવાનો સાથે વાત કરીને દીકરીને પરત લાવવા મથશે પણ પાંચ દિવસમાં કંઈ નહીં થાય તો પાછું સંમેલન યોજીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

પાંચ દિવસમાં શું થશે એ કોઈને ખબર નથી પણ આઘાતજનક વાત એ છે કે, સમાજના આગેવાનોએ પોતે જેના વિશે નિર્ણય લીધો એ કંકુબેન ચૌધરીની મરજી શું છે એ જાણવાની તમા જ નથી રાખી. કંકુબેને સોશ્યલ મીડિયા પર વીડિયો મૂકીને પોતે પતિ સાથે રહેવા માગે છે એવું સાફ શબ્દોમાં કહ્યું છે અને સમાજના આગેવાનોને પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન થાય તેવી આજીજી કરી છે પણ કોઈ તેમનું સાંભળવા તૈયાર નથી.

કંકુબેન ચૌધરીએ વીડિયોમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરતાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, પોતે 31 માર્ચ, 2024ના રોજ પોતાની મરજીથી ઘરેથી નિકળ્યાં હતાં અને મહાદેવ રબારી સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી એક વર્ષનો દીકરો પણ છે અને મારા દીકરાને કોઈનાથી પણ દૂર કરીને મા કે બાપ વગરનો ન બનાવવામાં આવે. આગેવાનો એવો નિર્ણય લે કે મારો પરિવાર ન વિખેરાય. કંકુબેનની આજીજી છતાં તેમને પાછાં લાવવાનો નિર્ણય લેવાયો એ સંવેદનહિનતાનો નાદાર નમૂનો છે. એક સ્ત્રી પોતાનું ઘર ના ભાંગે ને પોતાનો દીકરો એકલો ના પડી જાય એ માટે વિનંતી કરે છે છતાં સમાજને તેની પરવા નથી એ કેવું?

આ સંવેદનહિનતા પાછળ ટોળાશાહીનો મદ છે. રબારી સમાજે પોતાની દીકરીને ઘૂંટણિયે પાડી તો આપણે કેમ પાછળ રહી જઈએ એમ માનીને ચૌધરી આગેવાનો વર્તી રહ્યા છે. એક 21 વર્ષની છોકરીને નમાવીને રબારી આગેવાનો પોતાની મર્દાનગીના કેફમાં ફૂલાઈ રહ્યા છે ને ચૌધરી આગેવાનોને પણ એ જ કેફ જોઈએ છે. કિંજલ આગેવાનો સામે ઝીંક ના ઝીલી શકી તેમાં તેનો વાંક નથી. કિંજલ ગાયિકા તરીકે રબારી સમાજના કાર્યક્રમો પર આશ્રિત છે એ તો એક કારણ છે જ પણ 21 વર્ષની છોકરી એકલી કોની કોની સામે લડી શકે?

ગુજરાતમાં જ્ઞાતિઓના સન્માનના નામે થઈ રહેલા ભવાડા ખતરનાક છે ને ગુજરાતમાં ખાપ પંચાયત કરતાં પણ ખતરનાક અને ઝેરીલું કલ્ચર વિકસી રહ્યું હોવાનો ગંભીર સંકેત આપી રહ્યા છે. હરિયાણા, ઉત્તર પ્રદેષ. રાજસ્થાન વગેરે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ખાપ પંયાચતોને સગોત્ર લગ્નો સામે વાંધો હતો ને આ વાંધાના કારણે લગ્ન કરનારાં યુવક કે યુવતીની ને કેટલાક કિસ્સામાં તો બંનેની હત્યાઓ કરી દેવાની આઘાતજનક ઘટનાઓ બનતી હતી ને આજેય બનતી હશે. એક જ ગોત્રનાં હોય એવાં યુવક-યુવતી ભાઈ-બહેન કહેવાય તેથી તેમની વચ્ચે લગ્ન ના થઈ શકે એવી સમાજના આગેવાનોની દલીલ હતી.

ખાપ આગેવાનોની આ દલીલ તાર્કિક નથી કેમ કે હિંદુ સમાજમાં એવાં લગ્નોનો બાધ નથી. 1955ના હિંદુ મેરેજ એક્ટમાં પિતરાઈ ભાઈ-બહેનોનાં લગ્ન માન્ય નથી પણ તેમાં પણ પ્રાદેશિક પરંપરાઓને આધારે પિતરાઈઓ વચ્ચે થતાં લગ્ન ગેરકાયદે નથી ગણાવાયાં. દક્ષિણ ભારતમાં તો ઘણી જ્ઞાતિઓમાં મામા-ફોઈનાં પિતરાઈ ભાઈ-બહેનોનાં લગ્ન સામાન્ય છે. આંધ્ર પ્રદેશમાં રેડ્ડી અને વેલ્લાલર જ્ઞાતિમાં તો આવાં લગ્ન બહુ સામાન્ય છે. 

દક્ષિણ ભારતના બ્રાહ્મણોમાં પણ પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નો થાય છે. જાણીને આઘાત લાગશે પણ દક્ષિણ ભારતમાં ઘણી જ્ઞાતિઓમાં તો મામાનાં ભાણેજ સાથે, ફોઈનાં ભત્રીજા સાથે કે કાકાનાં ભત્રીજી સાથે લગ્ન પણ થાય છે. પોતાના જ ભાઈ કે બહેનના સંતાન સાથે સ્ત્રી અને પુરૂષ બંને લગ્ન કરી શકે છે.

હવે જેમની વચ્ચે સીધા લોહીના સંબંધ છે એ પરણી શકતાં હોય ને તેમને કોઈ છોછ ના નડતો હોય તો એક ગોત્રનાં યુવક-યુવતીને ભાઈ-બહેન ગણીને લગ્ન કરતાં રોકવાની વાત કઈ રીતે ચાલે? પણ આપણા દેશમાં એવું ચાલે છે. સગોત્ર લગ્ન કરનારાંની હત્યાઓ પણ થાય છે ને તેમનાં લગ્ન ફોક પણ કરાવાય છે. ગુજરાતમાં જ્ઞાતિના આગેવાનો એક કદમ આગળ વધ્યા છે ને પોતાની જ્ઞાતિની બહાર થતાં લગ્નોને ફોક કરાવી રહ્યા છે. 

રબારી અને ચૌધરી જ્ઞાતિના આગેવાનોએ તેની શરૂઆત કરી છે ને તેમને રોકનારુ કોઈ નથી તેથી બીજી જ્ઞાતિના આગેવાનોની હિંમત પણ વધશે. ધીરે ધીરે બીજી જ્ઞાતિના આગેવાનો પણ આ જ ધંધો માંડીને બેસી જશે ને બંધારણે આપેલા પોતાની મરજીથી લગ્નના અધિકારના ધજાગરા ઉડી જશે.

આ ઘટનાક્રમ ખતરનાક છે કેમ કે તેના બહાને જ્ઞાતિના આગેવાનોનો અહમ સંતોષવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. ખાપ પંયાયતોના આગેવાનો ફરમાન કરે પછી ઘણાં પ્રેમી યુગલો તેમની નાફરમાની કરી દેતાં. એવા કિસ્સામાં હત્યાની ઘટનાઓ બનતી. ગુજરાતમાં હજુ શરૂઆત છે તેથી એવી કોઈ અનિચ્છનિય ઘટના બની નથી ને આપણે પ્રાર્થના કરીએ કે એવું કશું ના બને પણ અહમના ખેલમાં ક્યારે શું થાય તેની ગેરંટી હોતી નથી. ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નોના વિવાદમાં હત્યાઓની ઘટનાઓ બનેલી જ છે.

આ સ્થિતી પેદા થાય એ પહેલાં ગુજરાત સરકાર જાગે અને જ્ઞાતિની આબરૂના નામે થતા ભવાડાઓને રોકે એ જરૂરી છે. ગુજરાત સરકારે આ બધું કડક હાથે દબાવીને બંધારણે આપેલા નાગરીકોના અધિકારોનું રક્ષણ કરવાની ફરજ બજાવવી જોઈએ. લગ્ન એ વ્યક્તિગત બાબત છે ને તેને સમાજનો એકાધિકાર બનાવવા માગતા નમૂનાઓને ઠંડા પાડીને યુવાઓના અધિકારોનું રક્ષણ નહીં કરાય તો ગુજરાતમાં પણ હાલત ખરાબ થશે એ સમજવું જોઈએ.