NEET અને CBSE પેપર લીક કૌભાંડ મામલે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે CJP દિલ્હીમાં યોજશે શાંતિપૂર્ણ આંદોલન
નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજીત દીપકેએ જાહેરાત કરી હતી કે તે છઠ્ઠી જૂને ભારત પરત ફરશે. તેણે કહ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં NEET, CBSE, SSC અને CUET જેવી દેશવ્યાપી પરીક્ષાઓમાં થયેલા વ્યાપક ગોટાળા અને પેપર લીક કૌભાંડના વિરોધમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરીને તેણે જણાવ્યું હતું કે, પેપર લીકને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ છે અને અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેના માટે શિક્ષણ પ્રધાને જવાબદારી સ્વીકારીને પદ છોડવું જ જોઈએ.
વિરોધ પ્રદર્શન વિશે માહિતી આપતા તેમણે તેમના સમર્થકો અને ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ 6 જૂનની સવારે દિલ્હી એરપોર્ટ પર તેમને મળવા પહોંચે. તેમણે જણાવ્યું હતું કે, હું મારા દેશ ભારતમાં પરત ફરી રહ્યો છું. તમે બધા શનિવારે સવારે એરપોર્ટ પર આવો, ત્યાંથી આપણે સૌ સાથે મળીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે સત્તાવાર પરવાનગી માંગીશું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શનિવારનું આ સમગ્ર આંદોલન બંધારણના માર્ગે ચાલીને અને એકદમ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.
પેપર લીકની ઘટના બાદ આ આક્રોશને મોટું જનસમર્થન મળી રહ્યું છે. અભિજિતના જણાવ્યા અનુસાર CJP દ્વારા શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પિટિશનમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ યુવાનોએ સહીઓ કરી છે.
તેમણે મહત્ત્વના આંકડાઓ રજૂ કરતા કહ્યું કે NEETના 22 લાખ, CBSEના 17 લાખ, CUETના 16 લાખ અને SSC GDના 40 લાખ મળીને કુલ 1 કરોડથી વધુ વિદ્યાર્થીના જીવન અને ભવિષ્ય સાથે વર્તમાન સિસ્ટમ દ્વારા ક્રૂર મજાક કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ ભારે ચિંતા અને તણાવમાં છે.
આ વિરોધ પાછળનું એક મુખ્ય કારણ તાજેતરમાં જ NTA દ્વારા લેવાયેલી NEET-UG 2026 પરીક્ષાનું રાષ્ટ્રવ્યાપી પેપર લીક કૌભાંડ છે, જેને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. અભિજિતે કહ્યું હતું કે જો આટલી મોટી નિષ્ફળતા અને દાયકાના સૌથી મોટા પેપર લીક કૌભાંડ પછી પણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે દેશની સિસ્ટમમાં હવે કોઈ જવાબદારી જ બચી નથી. લખનઊ, જયપુર, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી.