Tue Aug 18 2026

Logo

ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાનો ચોંકાવનારો ખુલાસોઃ ફિલ્મોમાં નહીં જવાનું કારણ પણ જણાવ્યું...

2026-08-02 22:03:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ પોતાના કરિયરને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. 'સપને સુહાને લડકપન કે'માં ચારૂના નેગેટિવ પાત્રથી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી આંચલે જણાવ્યું કે આ સિરિયલ કાર્ય બાદ તેમને સતત માત્ર નેગેટિવ પાત્રોની જ ઓફર મળતી રહી. એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈ જવાથી તેમણે થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.જેથી તેમને મનગમતા પાત્રોની ભૂમિકા ભજવવાની તક મળે. 

એક ખાનગી ઈન્ટરવ્યૂમાં આંચલે જણાવ્યું કે તેણે મુખ્ય ભૂમિકાઓ મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ 'સપને સુહાને લડકપન કે' બાદ તેની એવી છાપ નિર્માણ થઈ ગઈ હતી કે નિર્માતાઓ તેને માત્ર વિલનના પાત્ર માટે જ યોગ્ય માનતા હતા. શરૂઆતમાં તો તેણે આવા ઘણા પાત્રો સ્વીકાર્યા, પરંતુ પછી લાગ્યું કે આ ઈમેજ બદલવી જરૂરી છે. તેથી તેણે થોડો કારકિર્દીમાં બ્રેક લીધો, જોકે તેના પછી પણ મોટા ભાગે ખુરાનાને માત્ર નેગેટિવ રોલની જ ઓફર મળતી રહી.

આંચલે અભિનેતા પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. તેણે જણાવ્યું કે 'સરોજિની – એક નઈ પહેલ'માં પંકજ ત્રિપાઠીએ તેના સસરાનું પાત્ર ભજવ્યું હતું, જે તેમનો પ્રથમ ડેઇલી સોપ હતો. શૂટિંગ દરમિયાન પંકજ ત્રિપાઠીએ મજાકમાં આંચલને કહ્યું હતું, "હું ડેઈલી સોપ નહીં કરું, તમે લોકો આટલું એકધારું કામ કેવી રીતે કરો છો?" આ વાત આજે પણ તેને યાદ છે.

ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા અંગે પૂછવામાં આવતા આંચલે સ્પષ્ટ કહ્યું કે તેમણે ક્યારેય ફિલ્મોમાં જવાની ખાસ યોજના બનાવી નહોતી. તેનું સંપૂર્ણ ધ્યાન હંમેશા ટેલિવિઝન પર જ રહ્યું છે અને તે નાના પડદે જ વિવિધ પ્રકારના પાત્રો ભજવવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આંચલ ખુરાનાએ 2011માં એમટીવીની રોડીઝ સીઝન-8 જીતીને લોકપ્રિયતા મેળવી હતી. ત્યાર બાદ તેણે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને 'સપને સુહાને લડકપન કે'માં ચારૂ ગર્ગના પાત્રથી ખાસ ઓળખ મેળવી.ત્યારથી તે 'સરોજિની – એક નઈ પહેલ', 'મેરી સાસૂ માં', 'સંતોષી માં', 'જિંદગી કી મહેક', 'રૂપ – મર્દ કા નયા સ્વરૂપ' અને 'બડે અચ્છે લગતે હૈં' સહિત અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂકી છે. ખાસ કરીને 'બડે અચ્છે લગતે હૈં'માં વૃંદા શેખાવતના પાત્રને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.