Wed Jun 03 2026

Logo

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલી યાદી જાહેર કરી!  460 ઉમેદવારો પર મહોર

2026-03-24 10:46:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં થોડા જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી શકે છે. ત્યારે રાજકીય પાર્ટીઓ સાબદી થઈ ગઈ છે અને ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મેદાનમાં જીત હાંસિલ કરવા માટે  460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો છે કે બાપ-બેટાની રાજનીતિનો અંત કરીને AAPએ સામાન્ય લોકોને આપી ઉમેદવારી આપી છે. તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો છે. 

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાર્ટીએ  જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે. 

આ પ્રથમ યાદીમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 

તાલુકા પંચાયતની બેઠકોની યાદીમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર,  પંચમહાલ, કચ્છ,  બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ,  તાપી, સુરત, ભરૂચ,ડાંગ, વલસાડ જિલ્લાની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 

તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી, જામનગર, મહેસાણા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકાના 155 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ધોળકા, ધ્રાંગધ્રા, ગોધરા, ભુજ, માળીયા, વિસનગર, ભરૂચ નગરપાલિકાની બેઠકો પર 50 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.