કામિની શ્રોફ
મોજીલા મેહોણા (મહેસાણાને સ્થાનિક લહેકામાં મેહોણા કહેવાય છે) તરીકે પ્રસિદ્ધ એવું આ શહેર મહેસાણા જિલ્લાનો હિસ્સો છે. આમ તો આ જિલ્લો મોઢેરાના સૂર્યમંદિર માટે અનેક વર્ષોથી જાણીતો છે. આ જિલ્લામાં વડનગર પણ છે, જેનું ઐતિહાસિક અને કલાત્મક મહત્ત્વ તો છે જ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ હોવાથી એની ખ્યાતિ વિસ્તરી છે.
વડનગર એક જોવાલાયક સ્થળ છે અને આબુ-અંબાજીની મુલાકાત લેવાનું નક્કી કર્યું હોય તો મહેસાણા જિલ્લાના આ શહેરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગયા હપ્તામાં આપણે ધાર્મિક પ્રવાસને આવરી લીધો હતો. એમાં સ્થળ સંકોચને કારણે અંબાજીનો સમાવેશ નહોતો થઈ શક્યો. આજે આપણે અંબાજી - ગબ્બર તેમ જ ઊંઝા વિશે જાણીએ.
અંબાજી મંદિર - ગબ્બર
ગુજરાતના `મસ્ટ વિઝિટ' ધર્મસ્થાનકમાં અંબાજી મંદિરનો સમાવેશ છે. શક્તિપીઠ હોવાથી એનું મહત્ત્વ વધારે છે. શક્તિપીઠ માતા સતીને સમર્પિત પવિત્ર તીર્થસ્થાન છે. પૌરાણિક કથા અનુસાર પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવના કરેલા અપમાનથી દુ:ખી થઈ માતા સતીએ યજ્ઞકુંડમાં પ્રાણ ત્યાગ કર્યો હતો. સતીના દેહના વિચ્છેદનથી પૃથ્વી પર 51 સ્થાન પર તેમના અંગ પડ્યા જે `શક્તિપીઠ' તરીકે ઓળખાયા.
હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના `સિદ્ધપીઠ' તરીકે થાય છે. હિંદુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું. મંદિરના પરિસરમાં એક શ્રીયંત્ર છે, જેની ભક્તો અચૂક પૂજા કરે છે. અંબાજી મંદિર આરાસુર પર્વતની ટેકરી પર આવેલું હોવાથી આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. નવરાત્રી વખતે ગવાતા ગરબા કે થાળમાં `આરાસુરની અંબે મા' એવો ઉલ્લેખ જરૂર ધ્યાનમાં આવ્યો હશે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. દર્શનાર્થીઓની ભીડ અંબા માતામાં કેવી અખૂટ શ્રદ્ધા છે એનું પ્રતિબિંબ હતી.
અહીંની ગબ્બર ટેકરી પર શક્તિપીઠ છે. પર્વત પર એક નાની ગુફા જેવી જગ્યા છે જેને `ગબ્બર ગોખ' કહેવાય છે. અહીં એક પવિત્ર અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. આ ટેકરી પગથિયાં અને સાંકડી કેડી જેવા ખૂબ કપરા અને મુશ્કેલ ચઢાણવાળી છે. ઘણા લોકો જાત્રા તો ચડીને જ કરાય એવી માન્યતા ધરાવતા હોય છે. અનેક લોકોને ચડીને જતા જોવા મળ્યા. ચઢાણ કપં લાગતું હોય એવા લોકો રોપ-વે (ઉડનખટોલા)ની સગવડનો લાભ લઈ જતા હોય છે. કલાકેક લાઈનમાં ઊભા રહેવું પડે એમ હોવા છતાં કેટલીક જનેતા એક વર્ષનું પણ ન થયું હોય એવા બાળક સાથે દર્શન કરવા મક્કમ હતી. આસ્થા કેવી સજ્જડ હોય એનો વધુ એક પુરાવો અંબાજીમાં નજરે પડ્યો.
હાટકેશ્વર મંદિર
દેશવાસીઓમાં વિવિધ સ્થળ સાથે ધાર્મિક જોડાણ અગ્રક્રમે હોવાથી વડનગર એટલે હાટકેશ્વર મંદિર એવું સમીકરણ અનેક વર્ષ સુધી રહ્યું. આજે પણ માત્ર ધાર્મિક ભાવના સાથે સફર કરતા લોકોના દિમાગમાં પહેલો ઝબકારો મંદિરનો જ થાય. હાટકેશ્વર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ છે. અહીં શ્રદ્ધાળુઓ `જય હાટકેશ' બોલતા હોય છે. મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. સમગ્ર મંદિરમાં સુંદર શિલ્પો ધ્યાન ખેંચે છે. દેવદેવીઓની મૂર્તિઓ તથા કૃષ્ણ અને પાંડવોના કેટલાક જીવનપ્રસંગો કોતરેલાં છે.
મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ ઉલ્લેખનીય છે. મંદિરના પરિસરમાં અનેક નાનીમોટી દેરીઓ આવેલી છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયેલો છે. મોટે ભાગે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું હોય, પરંતુ આ મંદિર ગામની બહાર આવેલું છે. હટકનો એક અર્થ સોનાની ખાણ એવો પણ થાય છે. સુવર્ણના લિંગ રૂપે પૂજાતા નાગરોના ઇષ્ટદેવ-મહાદેવ હટકેશ્વર અને પછી હાટકેશ્વર તરીકે ઓળખાયા એવી માન્યતા છે. અહીં સાંજના સમયે મંદિરના શિખર પર જ લેસર શોથી આપવામાં આવતી ધાર્મિક જાણકારીનો અનુભવ અલાયદો રહ્યો.
પારસ પીપળો
હિન્દુ ધર્મમાં સંસ્કારનું ઘણું મહત્ત્વ છે. મનુષ્ય જીવન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે ઉચ્ચ કોટિનું બને એ આશય સાથે 16 સંસ્કારનું વર્ણન છે. ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરી દેહાવસાન સુધીના આ સંસ્કારોમાં ધાર્મિક અને સામાજિક વિધિઓ જોવા મળે છે, જે મનુષ્ય જીવનને યોગ્ય દિશાએ દોરી જાય એવી માન્યતા છે. આ સોળ સંસ્કારમાં એક સંસ્કાર છે ચૌલ ક્રિયા અથવા બાબરી વિધિ, જે મુંડન અથવા ચૂડા કર્મ તરીકે પણ ઓળખાય છે. બાળક ત્રણ કે પાંચ વર્ષનું થાય ત્યારે તેના ગર્ભાવસ્થાના વાળ ઉતારવાની ક્રિયા કરવામાં આવે છે.
અંબાજીમાં ગબ્બરના દર્શન કરવા જતી વખતે `પારસ પીપળો' નામની જગ્યા નજરે પડે છે. લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની ચૌલ ક્રિયા (બાબરી) પણ આ સ્થળે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. પારિજાત તરીકે પણ ઓળખાતા પારસ પીપળાના વૃક્ષને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી મહાભારત કાળમાં શ્રી કૃષ્ણએ દ્વારકામાં વાવ્યું હોવાની માન્યતા છે. જોકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પારસ પીપળાને પીપળા સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી સાથે જોડાયેલા એક ભાઈ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુ હતા અને તેમણે જણાવ્યું કે એના પાન પીપળા જેવા હોવાથી તેનું નામ પારસ પીપળો પાડી દેવામાં આવ્યું છે. પારસ એટલે સોનું અને આ પાનનો રંગ સોનાની પીળાશને મળતો આવે છે. શ્રદ્ધા અને સાયન્સ વચ્ચે ક્યારેક જોજનો દૂરનું અંતર હોય છે. અલબત્ત, આ પીપળાના દર્શન જોવા ઊમટેલા દર્શનાર્થીઓમાં ગજબનું કુતૂહલ હતું. એ કુતૂહલમાં શ્રદ્ધા - સાયન્સના પ્રમાણ વિશે જાણી શકાય એમ નહોતું.
ઉમિયા માતાજી
ઊંઝા મહેસાણાથી ત્રીસેક કિલોમીટરને અંતરે હોવાની જાણ થતા ત્યાં તો જવું જ છે એવો નિર્ધાર કર્યો. ઊંઝા માટે વિશેષ લાગણી હોવાના ત્રણ કારણ હતા ધર્મ- અર્થ ને કલા. પહેલું ધાર્મિક કારણ એ કે અહીં ઉમિયા માતાનું મંદિર છે, જે કડવા પાટીદારોના કુળદેવી છે.
ઉમિયા માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. આ પૌરાણિક મંદિર માત્ર ધાર્મિક સ્થળ ઉપરાંત સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જાણીતું બન્યું છે.
બીજું કારણ અર્થ - વ્યાપાર સંબંધી. અમદાવાદ પછી સમગ્ર ગુજરાતનું બીજા નંબરનું માર્કેટ યાર્ડ ઊંઝામાં છે. અહીં કરોડો રૂપિયાનું જીં, ઘોડાજીં, ઇસબગુલ, તુવેર અને વરિયાળી વેચાવા આવે છે.
જીરાની નિકાસ સમગ્ર ભારતમાં થાય છે. ઇસબગુલની ભારતનાં રાજ્યો ઉપરાંત પરદેશમાં મુખ્યત્વે અમેરિકા અને યુ.કે.માં નિકાસ થાય છે.
ત્રીજું કારણ કલા સંબંધી છે. મુસ્લિમ શાસન દરમિયાન ઊંઝાના પટેલની ક્નયાને ઉગારનારા સિદ્ધપુરના લોકનાટ્ય ભવાઈના સ્થાપક અને કવિ અસાઈત ઠાકરને બ્રાહ્મણ જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા બાદ તે ઊંઝા આવીને વસ્યા હતા એમ કહેવાય છે.
જ્ઞાતિ બહાર થવાને કારણે પરંપરાગત કથાકારનું કામ બંધ થઈ ગયું. એટલે અસાઈતે ભવાઈના વેશોની રચના કરી પોતાના ત્રણ પુત્રો સાથે એ વેશ ભજવ્યા. તેમના ત્રણ પુત્રના વંશજો ત્રિઘરા કે ત્રણ ઘરવાળા (તરગાળા) તરીકે પછીથી ઓળખાવા લાગ્યા. આ જ્ઞાતિએ ગુજરાતની રંગભૂમિને અનેક પેઢીઓથી કલાકારો આપ્યા છે.
ધર્મયાત્રાના આલેખનને વિરામ આપી હવે પછી આ ધર્મસ્થાનોની નજીક આવેલા કલા સ્થાનકોથી પરિચિત થઈશું.