Sun Sep 13 2026

Logo

બેંગલુરુમાં મોટી દુર્ઘટના, પથ્થરની ખાણમાં ખડક ધસી પડતાં બિહારના સાત મજૂરોના મોત

2026-07-02 11:21:00
Author: Mumbai Samachar Team
બેંગલુરુમાં મોટી દુર્ઘટના, પથ્થરની ખાણમાં ખડક ધસી પડતાં બિહારના સાત મજૂરોના મોત

બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. ગુરુવારે સવારે બેંગલુરુ સાઉથ તાલુકાના માદાપટ્ટના વિસ્તારમાં એક પથ્થરની ખાણમાં વિશાળકાય ખડક ધસી પડ્યો હતો. આ અકસ્માતમાં બિહારના રહેવાસી એવા 7 મજૂરોના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મજૂરો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ અને રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું. 

ખોદકામ દરમ્યાન સર્જાઇ દુર્ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત વહેલી સવારે એ સમયે થયો જ્યારે મજૂરો ખાણમાં પથ્થર તોડવા અને ખોદકામના કામમાં લાગેલા હતા. ત્યાં હાજર એક મજૂરે જણાવ્યું કે સાઇટ પર આશરે 18 લોકો કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક લગભગ 40 ફૂટની ઊંચાઈ પરથી એક બહુ મોટો ખડક મજૂરો પર આવીને પડ્યો. તમામ મૃતકો રોજમદાર મજૂરો હતા અને ત્યાં સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરતા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ સાત મજૂરો બિહારના રહેવાસી છે. જો કે, મૃતકોની ઓળખ અને તેમના વતન જિલ્લાઓની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘટના બાદ ખાણમાં કામ કરી રહેલા અન્ય મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે જેથી કોઈ અન્ય દુર્ઘટનાની આશંકા ન રહે. અધિકારીઓએ એ બાબતની પણ તપાસ શરૂ કરી દીધી છે કે અકસ્માત કુદરતી કારણોસર થયો હતો કે સુરક્ષાના નિયમોમાં કોઈ પ્રકારની બેદરકારી રાખવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ખાણમાં ઘણા મજૂરો હાજર હતા. રાહત ટીમે કાટમાળની ઊંડાણપૂર્વક તપાસ કરી જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ અન્ય વ્યક્તિ તેની નીચે દબાયેલી ન હોય. બચાવ કામગીરી કેટલાય કલાકો સુધી ચાલુ રહી હતી. અકસ્માતની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યોની દેખરેખ રાખી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.