સુરતઃ માંડવીથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા સામે છે. તાપી નદી પરના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી ચાર મિત્રોનાં મોત થયા હતા. એકને બચાવવા અન્ય ત્રણ પણ પાણીમાં કુદ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ તેમજ ઉંડાઈ વધુ હોવાને કારણે તમામના મોત થયા હતા.
કેવી રીતે બની ઘટના
મળતી વિગત પ્રમાણે, સોમવારે સાંજે ચાર યુવાન કાકરાપાર ડેમની નહેરમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબવા માંડ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના ત્રણ મિત્ર તેને બચાવા કૂદ્યા હતા.પાણીનો પ્રવાહ અને ઉંડાઈ વધુ હોવાને કારણે ચારેય મિત્ર એકબીજાને બચાવવાની મથામણમાં મોતને ભેટ્યા હતા.
ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તંત્રને જાણ કરાઈ હતી. પોલીસે આવીને તરત જ કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ આજે સવારે ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
આ ઉપરાંત સામે આવેલી વિગત પ્રમાણે, ચારેય યુવાનો સ્થાનિક વિસ્તારના જ રહેવાસી હતી અને ગરમીથી ત્રાહિમામ થઈને નહાવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કપડવંજ નજીક ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યાના ડૂબી જવાથી મોત થયા હતા.