Thu Jun 18 2026

Logo
IPL 2026:

યુઝવેન્દ્ર ચહલે આઇપીએલ પહેલાં શેનો ત્યાગ કર્યો? કઈ પ્રતિજ્ઞા લીધી?

2026-03-19 16:23:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારતના એક સમયના ટોચના સ્પિનરમાં ગણાતા અને હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ વતી રમતા યુઝવેન્દ્ર ચહલે મોટી જાહેરાત કરી છે જેમાં તેણે આલ્કૉહોલ (Alcohol)નો ત્યાગ કર્યો છે.

હજી પોતે પાંચથી છ વર્ષ સુધી રમશે એવું તાજેતરની જ એક મુલાકાતમાં કહેનાર ચહલે (CHAHAL) ટીમના ભૂતપૂર્વ સાથી ખેલાડી એબી ડિવિલિયર્સ સાથે યુટ્યૂબ ચૅનલના શૉ પરની વાતચીતમાં કહ્યું છે કે તેણે પંજાબ કિંગ્સ વતી 150 ટકા ક્ષમતાથી રમવાની (સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરવાની) પ્રતિજ્ઞા લીધી હોવાથી દારૂ છોડી રહ્યો છે.

છ મહિનાથી દારૂને હાથ નથી લગાડ્યો

ચહલે ડિવિલિયર્સને કહ્યું, `મેં આલ્કૉહોલનું સેવન બંધ કર્યું છે. છ મહિનાથી મેં દારૂને હાથ નથી લગાડ્યો. હું હવે 35 વર્ષનો થઈ ગયો છું એટલે મેં હવે વધુ સક્રિય રહેવાનું નક્કી કર્યું છે. આઇપીએલમાં હું મારી ટીમ માટે 150 ટકા ક્ષમતાથી રમીશ. હું સિનિયર ખેલાડી છું અને ઇચ્છું છું કે આઇપીએલમાં અન્ય ખેલાડીઓ મારી પાસેથી કંઈક શીખે.

2025ની આઇપીએલ ફાઇનલમાં અમારી ટીમ (પંજાબ)ને માર્કો યેનસેનની ખોટ વર્તાઈ હતી. એ ફાઇનલમાં પંજાબનો બેંગ્લૂરુ સામે છ રનથી પરાજય થયો હતો. યેનસેને એ આઇપીએલ સીઝનમાં 14 મૅચમાં 16 વિકેટ લીધી હતી, પણ સાઉથ આફ્રિકા વતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં રમવાનું હોવાથી તે પ્લે-ઑફની મૅચોમાં નહોતો રમ્યો.

2025માં છેલ્લે બે ફ્રૅક્ચર નડ્યા

ચહલે યેનસેનનો તેમ જ પોતાની ઈજાનો ઉલ્લેખ કરતા કહ્યું, `2025ની આઇપીએલ ફાઇનલમાં જો યેનસેન રમ્યો હોત તો અમે ટાઇટલ જીતી ગયા હોત. તેણે આખી ટૂર્નામેન્ટમાં બોલિંગ ઉપરાંત બૅટિંગ પણ સારી કરી હતી. આ વખતે અમને તે ખાસ કરીને બોલિંગમાં ખૂબ કામ લાગશે. હરીફ ટીમોના ઓપનર્સે તેનાથી ખૂબ ચેતવું પડશે.

એ ટૂર્નામેન્ટમાં કોલકાતા સામેની મૅચ પછી મને પાંસળીમાં ફ્રૅક્ચર થયું હતું. પછીથી મારા હાથમાં પણ ફ્રૅક્ચર થયું હતું. આ ઈજાઓને પગલે હું સેમિ ફાઇનલમાં અને ફાઇનલમાં સારા લેગ-સ્પિન નહોતો કરી શક્યો. આ વખતે હું મારા શરીરની અને સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખીશ.'