નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા માટે યુદ્ધ જહાજો મોકલવા અપીલ કરી છે. જોકે, આ અંગે અનેક દેશો આ યુદ્ધમાં સામેલ નહી થવાની વાત કરી છે. ત્યારે ભારતે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજની તૈનાતી અંગે અમેરિકા સાથે દ્વિપક્ષીય ચર્ચા નથી કરી.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાનું ઈરાનનું આક્રમક વલણ
હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાના ઈરાનના આક્રમક વલણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશોને આ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી. જેમાં ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટેન પાસે સહાયતા માંગી હતી. જો કે હજુ સુધી કોઈ પણ દેશે ટ્રમ્પની અપીલનો જવાબ આપ્યો નથી .તેમણે કોઈ યુદ્ધ જહાજો તૈનાત કર્યા નથી.
વિવિધ હિસ્સેદારો સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજો મોકલવા માટે ભારતનો સંપર્ક કર્યો છે અને આ અંગે સરકારનું વલણ શું છે. ત્યારે તેમણે જણાવ્યું કે આ બાબતે વિવિધ દેશો દ્વારા ચાલી રહેલી ચર્ચાઓથી અમે વાકેફ છીએ. અત્યાર સુધી અમે આ મુદ્દા પર દ્વિપક્ષીય સ્તરે ચર્ચા નથી કરી. તેમજ ભારત આ બાબતે વિવિધ હિસ્સેદારો સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે.
ઈરાન સાથે કોઈ કરાર કર્યો નથી
આ ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય ધ્વજવાળા જહાજોના પસાર થવા અંગે ઈરાન સાથે કોઈ કરાર કર્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રદેશમાંથી જહાજોના પરિવહન અંગે ઈરાન સાથે ચર્ચાઓ ચાલુ છે અને તેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોના સુરક્ષિત પસાર થવાના બદલામાં કોઈ કરાર નથી કર્યો. ઈરાને આપણા દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈ બદલ જહાજ પસાર કરવા દીધા છે.