કૌશિક મહેતા
ડિયર હની,
હમણાં જ આપણા ઘરમાં એક સરસ મજાનો લગ્નપ્રસંગ ઊજવાયો. બહારગામ અને વિદેશથી પણ મહેમાન આવ્યા હતા. રંગેચંગે બધા પ્રસંગ પાર પડ્યા, પણ મેં આ દિવસોમાં એક અવલોકન કર્યું કે, આવા પ્રસંગો હોય ત્યારે મહત્ત્વના નિર્ણયો કરવાના હોય ત્યારે મહિલા સભ્યોની ભાગીદારી બહુ સીમિત કરી દેવામાં આવે છે.
આવું કેમ?
આ પ્રશ્નનો જવાબ મેળવવાની જરૂર છે. લગ્નપ્રસંગ હોય ત્યારે અનેક કામ હોય છે. ઘરેણાં અને કપડાંની ખરીદીમાં તો મહિલા સભ્યો જ નિર્ણય કરે છે, પણ બજેટ કેટલું છે એ ઘરના પુરુષો નક્કી કરે છે. આ સિવાય કેટલાંય કામો હોય છે. લગ્નનું સ્થળ, મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા, પ્રસંગમાં ભોજન શું રાખવું, કેટરિંગની વ્યવસ્થા. મહેમાનોનું લિસ્ટ, લગ્નની વિધિઓ ...કેટલીય માથાકૂટ હોય છે.
આપણા ઘરમાં વડીલો હતા ત્યાં સુધી તો ઘણી રાહત હતી, કારણ કે એમને બધું યાદ રહેતું. કયા પ્રસંગમાં કોને કહેવું જોઈએ. આજની પેઢી એમાં ગોટે ચઢી જાય છે. જોકે, અગાઉના પ્રસંગની યાદીઓ હોય એનો આધાર લેવાય છે.
વડીલો ના હોય ત્યારે આવી યાદી ઉપયોગી બની જાય છે. કેટલાક સભ્યો ઉદાર હોય છે અને કેટલાક કરકસરના આગ્રહી હોય છે અને અહીંથી શરૂ થાય છે વાદ-વિવાદ. આપણને તો પેલા પ્રસંગે કોઈએ નહોતું કહ્યું એટલે આ વેળા એમને કાપો. એમના પ્રસંગમાં તો આપણે કેવો વ્યવહાર કરેલો અને આપણે એ આવે છે ફૂલફટાક થઇ ફરે છે. વ્યવહાર તો સાવ પાતળો, આવી દલીલોના આધારે લિસ્ટ બનતું હોય છે.
જોકે આ પદ્ધતિ સાચી નથી. ઘરમાં કેટલાક ઉદાર સભ્યો એવી દલીલ કરે છે કે, કોણે શું કર્યું’તું એના આધારે નિર્ણય ના લેવાય. આપણે શું કરવું છે એ નક્કી થવું જોઈએ. અહીંથી વિવાદ આગળ વધતો જાય છે.
બીજું કે, વર્ષો પહેલાં કોઈએ લગ્નમાં 250 રૂપિયા ચાંદલો કર્યો હોય અને આજે આપણો વારો આવે તો એટલા જ આપવાના એવો આગ્રહ કેમ રાખવામાં આવે છે? વીતેલાં વર્ષોમાં મોંઘવારી વધી એનો તો વિચાર કરો? તમે તમારા પગારમાં મોંઘવારી ભથ્થા વધે એ ચાહો છો તો વ્યવહારમાં એની ગણતરી કેમ નહિ?
સાચું કહું, મારો અનુભવ એવો છે કે, આ બધી બાબતમાં મહિલાઓ વધુ સારી રીતે કામ પાર પાડી શકે છે, પણ એમને આવા નિર્ણયોમાં પૂરી રીતે સામેલ કરવામાં આવતા નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્ન જેવા મોટા પ્રસંગોમાં મહિલાઓ રસોડા, મહેમાનગતિ કે વિધિ-વિધાનમાં આખો દિવસ વ્યસ્ત રહે છે, પણ જ્યારે બજેટ, મિલકત કે કોઈ મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે પણ તેમની સલાહ લેવામાં આવતી નથી.
લગ્ન એ આખા પરિવારનો પ્રસંગ છે અને તેમાં મહિલાઓની હિસ્સેદારી માત્ર મૌખિક પૂરતી મર્યાદિત ન રહેતાં નિર્ણાયક હોવી જોઈએ. સામાન્ય રીતે ઘરનું બજેટ કે નાણાકીય વ્યવહાર પુરુષો સંભાળતા હોય છે, પરંતુ ખરીદી અને વ્યવસ્થાપનમાં મહિલાઓની સૂઝબૂઝ ઘણીવાર વધુ સચોટ હોય છે. લગ્નના બજેટમાં ક્યાં બચત થઈ શકે અને કઈ જગ્યાએ શ્રેષ્ઠ ગુણવત્તા મળી શકે, તે વાતમાં તેમને પણ બરાબરનો હિસ્સો આપવો જોઈએ. કેટરિંગ, હોલ બુકિંગ કે ડેકોરેટર સાથેની વાતચીતમાં પણ મહિલાઓ જોડાય તે જરૂરી છે. મહેમાનોની યાદી તૈયાર કરવી, કોને કેટલી પ્રાધાન્યતા આપવી અને સામાજિક સંબંધો સાચવવાની મહિલાઓનું અવલોકન શક્તિશાળી હોય છે. તેમનાં મંતવ્યોને માત્ર સાંભળવા નહીં, પણ અમલમાં મૂકવાં જોઈએ.
અહીં એક પ્રસંગની વાત કરવી છે. એક મોટા પરિવારમાં દીકરીનાં લગ્ન હતાં. રિવાજ મુજબ લગ્ન પછી વળામણાં વખતે અનેક સંબંધીઓને ભેટ-સોગાદો આપવાની પરંપરા હતી. ઘરના પુરુષોએ અંદાજ લગાવ્યો કે આમાં અંદાજે બેથી 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે, કારણ કે એ બધા વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત યાદી મુજબ ચાલતા હતા.
ત્યારે ઘરની મોટી વહુ અને કાકીઓએ એક સાંજ સાથે મળીને ચર્ચા કરી અને પરુષો સામે એક પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું, ‘આપણે જે દૂરના સંબંધીઓને મોંઘી મિજબાનીઓ અને વસ્તુઓ આપીએ છીએ, તેના કરતાં જે વિધવા બહેનો કે જરૂરિયાતમંદ સંબંધીઓ છે તેમને સીધી આર્થિક મદદ કરીએ તો? અને બાકીના વ્યવહારમાં બિનજરૂરી વસ્તુઓ આપવાને બદલે શુકન પૂરતું રાખીને એ પૈસા દીકરીના ભવિષ્ય માટે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ.’
શરૂઆતમાં વડીલોને લાગ્યું કે સમાજ શું કહેશે? પણ જ્યારે મહિલાઓએ તર્ક આપ્યો કે દેખાડો કરવા કરતાં દીકરીનું ભવિષ્ય અને સાચા જરૂરિયાતમંદની મદદ વધુ પુણ્યનું કામ છે ત્યારે બધા માની ગયા. ફાયદો એ થયો કે, લગ્નનું બજેટ ઘટ્યું. જેમને ખરેખર જરૂર હતી તેમને મદદ મળી. દીકરીના નામે મોટી રકમની બચત થઈ. ઉપરાંત કેટલાક કામમાં હાંફી જતા હતા અને ગુસ્સે થઈ જતા હતા, તે જ કામ સ્ત્રીઓએ ખૂબ જ શાંતિથી અને ચોકસાઈથી પૂરું કર્યું.
શાંતિથી વિચાર કરશો તો ખ્યાલ આવશે કે, પુરુષો મોટું ચિત્ર જુએ છે, પણ સ્ત્રીઓ નાની નાની વિગતોમાં માહિર હોય છે. સ્ત્રીઓ નિર્ણયો લેતી વખતે માત્ર ગણિત નથી જોતી, પણ એ નિર્ણયની સામેવાળી વ્યક્તિ પર શું અસર થશે તે પણ વિચારે છે. લગ્નની દોડધામમાં જ્યારે પુરુષો ટેન્શનમાં હોય છે ત્યારે ઘરની સ્ત્રીઓ ઘણીવાર ધૈર્ય જાળવી રાખીને મામલો થાળે પાડે છે.
મુદાની વાત એ છે કે, સ્ત્રીઓને માત્ર હાર-તોરા કે રસોડા સુધી મર્યાદિત રાખવાને બદલે જો તેમને પૂરી સત્તા આપવામાં આવે તો પ્રસંગની ભવ્યતા અને વ્યવસ્થા બંને સુધરે છે. સાચી વાત ને?
તારો બન્ની