ભરત વૈષ્ણવ
`ગિધુ... ગિધુ' રસોડામાંથી રાધારાણીએ નોર્મલ ટોનમાં બૂમ પાડી. અમે જવાબ આપવાને બદલે પેપરમાં માથું ખોંસી રાખ્યું.
`એય સાંભળો છો? તમને કહું છું. બહેરા થઇ ગયા છો?' રાધારાણીનું વોલ્યુમ ફૂલ થયું જે ઘોંઘાટની કેટેગરીમાં આવે. અમારે નાછૂટકે છાપું પડતું મુકવું પડ્યું.
`શેની બૂમાબૂમ કરે છે? હું મરી ગયો નથી.' મેં રાધારાણીને ખખડાવી.
`હું તમને ક્યાં મરવા દેવાની છું?' રાધારાણીએ ઠંડા કલેજે જવાબ આપ્યો.
`સવાર સવારમાં પેપર પણ શાંતિથી વાંચવા દેતી નથી.'
`મારે કામના માપ નથી. રોટલીની કણક બાંધવી છે, પીવાનું પાણી ભરવું છે. દાળચોખા ધોવા છે. મારે રાઇ દદડાવી છે. મારે સંચળ ખાંડવો છે. કેરીના છોડિયા સરસવના તેલમાં ડાંભવા છે. દૂધીની કુલ્ફી બનાવવી છે.' રાધારાણીએ તેમનાં કામોનું લિસ્ટ સંભળાવી દીધું.
`બોલ, તારે માં શું કામ છે?' અમે મૂળ મુદ્દો પૂછ્યો.
`આ પ્લાસ્ટિકના કાગળિયા ધોઇ નાખો. તેના પર સાબુ મારી બ્રશ પણ ફેરવજો. પછી કપડાં સૂકવવાની દોરી પર ઊભો લટકતા રહે તે રીતે બે છેડે ચિપટી ભરાવીને ટીંગાડી દેજો.' રાધારાણીએ આદેશ છોડ્યો.
`હાય હાય રાધું, તેં તમાકુવાળા મસાલા ખાવાનું કયારથી શરૂ કર્યું?' મેં ગભરાટમાં પૂછ્યું.
`અરે બુદ્ધુ, આ કાગળનો ઉપયોગ બીજા કામ માટે કરવાનો છે.' રાધારાણીની વાત સાંભળી મારો શ્વાસ હેઠો બેઠો.
બે-ત્રણ દિવસ પછી રાધારાણીએ મારી પાસે કાથીવાળો ખોટલો પાવડરના પાણીમાં બ્રશ ડબકોળાવી ઘસી ઘસીને ધોવરાવ્યો. આ બાઇ ભવિષ્યમાં શું કરવાની છે તેનો મને ટપો પડતો ન હતો.
એક દિવસ મને અગાસી ધોવાનો કોન્ટ્રેકટ તદન મફતના ભાવે ધરાર તદન મફતના ભાવે પધરાવ્યો. રાધારાણીએ ગેસ પર મોટું તપેલું ચડાવી દીધું.
`રાધુ, આપણે ત્યાં તમામ પ્રકારના ગિઝર છે. તો પછી નાહવા માટે પાણી ગરમ કરવા ગેસ પર તપેલું કેમ ચડાવ્યું?
`તમને કોણે કહ્યું કે નાહવા માટે પાણી ગરમ કરવા તપેલું ગેસ પર ચડાવ્યું છે?' રાધારાણીએ અમારી ફિરકી ઉતારી.
`તો કઢીનું આંધણ ચડાવ્યું છે? જો કે, તેણે અમને જવાબ પણ ન આપ્યો.
`તમે અગાસીનું બારણું ખોલો.' અમને આદેશ મળ્યો.
`ઓકે જાનું.' અમે નવા પ્રેમીની જેમ કહ્યું. રાધારાણી ધમધમ કરતાં તપેલાં, પ્લાસ્ટિકના કાગળ, કથરોટ, લોટા, વાટકી અને લાકડાના હાથાવાળું મશીન લઇને અગાસીમાં પ્રગટ્યાં.
`તમારે આ મશીન દબાવવાનું છે,' રાધારાણીએ અમને સૂચના આપી.
પાપડ બનાવવાનું મશીન ચલાવવામાં રોકેટ સાયન્સ જેવું કશું હોતું નથી. રાધારાણીએ મશીનનું લાકડું લગાવેલ લોખંડનું હેન્ડલ ખોલી બતાવ્યું. અંદર ઉપર નીચે ગોળ આકારના બે પડ હતા. રાધારાણીએ પાપડનો લોટ એટલે કે ખીચાને તેલ નાખી વાટકીથી મસળેલ. પછી તેમાંથી એક ગોળ લૂવો અમને આપ્યો. અમે મશીન ખોલી લૂવો બરાબર વચ્ચે મુકયો. પછીથી જોરથી મશીન દબાવ્યું. મશીનમાં કડાકો બોલી ગયો.
`આટલા જોરથી મશીન દબાવવાનું કોણે કહ્યું હતું? મશીન બગડી જશે તો મારા ખીચાની પથારી ફરી જશે.' અમારી બિનકાર્યક્ષમતાથી રાધારાણી નારાજ થયા. મશીન ખોલ્યું લાકડાના પડ પર ખીચું ચોંટી ગયું.
`સોરી .., સોરી ..' અમારી ભૂલ ન હતી તો પણ મજબૂરીમાં માફી માગી.
`તમારે મશીન વચ્ચે પ્લાસ્ટિકના બે કાગળ મુકવાના. તેની વચ્ચે પાપડના ખીચાનું ગોળણું મુકવાનું પછી માફકસર દબાવવાનું. મશીન કે ખીચા સાથે બોકસિંગ કે કુસ્તી કરવાની નથી.' રાધારાણી પાછા અમારી પર ગરમ થયા. અમે પિયર કે સાસરે પાપડ બનાવવાની ટે્રનિંગ લીધી ન હોય તો પછી પાપડ બનાવવામાં લોચા લાગે તો અમારો શું વાંક?
અમે પાપડના મશીનના બે પડ વચ્ચે પ્લાસ્ટિકના બે કાગળ વચ્ચે ખીચાનો લૂવો મુકયો. મશીન દબાવ્યું. પછી મશીન ખોલ્યું. ખીચું દો લકડે કે બીચ મેં ચિપક ગયા. બે પડ વચ્ચેથી પાપડ છૂટો જ ન પડ્યો. રાધારાણીએ જોયું. તેણે કપાળ કૂટ્યું. `પ્લાસ્ટિકની એક સાઇડ પર તેલ લગાવીએ તો પાપડ પ્લાસ્ટિકના પડમાંથી છૂટો પડશે.' રાધારાણી બોલ્યા. આ સૂચના પહેલાં ન આપવી જોઇએ? અમે પ્લાસ્ટિક પર તેલ લગાવ્યું. તો પણ પાપડ પ્લાસ્ટિકના બંધનમાંથી મુક્ત ન જ થયો.
`ઓ બુદ્ધુરામ, જે સાઇડ તેલ લગાડેલ હોય તેની અંદરના ભાગે ખીચાનું ગોળણું મુકી મશીન હળવા હાથે દબાવીએ તો પાપડ તેલની સ્નિગ્ધતાને લીધે પડમાંથી છૂટો પડે. તમે તેલ અંદર લગાવવાના બદલે પડની બહારની સાઇડ લગાવ્યું હતું. એક તો મે અઢીસો ગ્રામ લોટનું ખીચું બનાવ્યું છે અને તમે ત્રણ લૂવા તો વેડફી નાખ્યા.' રાધારાણીએે અમને પાણીથી પાતળા કરી નાખ્યા.
`હવે હું પાપડ પાડું છું. તમે પાપડ સૂકવજો.' રાધારાણીએ અમારી બદલી કરી નાખી.
`ભલે.' નીચી મૂંડકી કરીને અમારે બીજું કાંઇ બોલવાનું જ ન હતું.
`લો, આ પાપડ ખાટલામાં સૂકવી આવો.' રાધારાણીએ મશીનથી એક પાપડ પાડ્યો અને અમને સૂકવવા આપ્યો. પાપડ હથેળી પર મુકીને ખાટલે જઇ સૂકવવાને બદલે પાપડને ઊભો પકડી ખાટલા તરફ ગતિ કરી રહેલ. એટલામાં પાપડને ગુરુત્વાકર્ષણ નિયમને ફોલો કરવાનું મન થયું અને પાપડ અગાસી પર પટકાયો.
`તમે અબઘડી નીચે જતાં રહો. તમારાથી શેક્યો પાપડ તો ભંગાય તેમ નથી અને કાચો પાપડ સૂકવી શકાય તેવી આવડત નથી. મને શું કમત સૂઝી કે મેં તમને પાપડ બનાવવા બેસાડ્યા.' આટલું કહીં અમને બાવડેથી પકડીને સીડીની નીચે ધકેલ્યા.
પછી શું થયું? અમે અથડાતાં કૂટાતા, ભટકાતાં લટકાતાં ખોડંગાતા નીચે આવ્યા. બે દિવસ હળદર લગાડવી પડી એ લટકામાં!