Wed Jul 29 2026

Logo

મસ્તરામની મસ્તીઃ શું કરવું આ નટખટ વરસાદનું...?

2026-07-11 09:44:00
Author: Milan Trivedi
Article Image

મિલન ત્રિવેદી

સાચી વાત છે. મુંબઈવાળા એક સાથે બોલશે કે હવે તો અટકે તો સારૂં ભાઈ!

વરસાદના એટલા પ્રકારો છે કે હવામાન ખાતાવાળા પણ કન્ફ્યુઝ થઈ જાય કે આ ચોમાસું ચાલે છે કે કોઈ કોમેડી શો!

ચાલો આજે શનિવારની નિરાંતે, ચા-ભજિયાંની પ્લેટ સાથે, વરસાદના આવા જ કેટલાક અતરંગી, સતરંગી અને રમૂજી પ્રકારોની સફરે નીકળીએ.

મુંબઈનો `લોકલ ટ્રેન' વરસાદ 

તમે બરાબર પકડ્યું. મુંબઈનો વરસાદ એટલે મુંબઈગરો પોતે. સવારે 8:45 ની ચર્ચગેટ ફાસ્ટ લોકલ પકડવાની હોય એમ જ વરસાદ આકાશમાંથી નીકળે. એને કોઈ આળસ નથી, કોઈ ઉતાવળ નથી. એનું ટાઈમટેબલ ફિક્સ છે. એ ક્યારેય એવું નહીં વિચારે કે `લાવને આજે શનિવાર છે તો અડધો કલાક મોડો પડું.' ના, એ ઓફિસ ટાઈમે જ આવશે, બરાબર ટ્રાફિક જામ કરશે, લોકલ ટ્રેનના ટ્રેક ડુબાડશે અને છતાં મુંબઈગરો છત્રી ખોલીને, એક હાથમાં છત્રી અને બીજા હાથમાં વડાપાઉં દબાવીને પાણીમાં ચાલતો થઈ જશે. આ વરસાદ અને માણસ વચ્ચે એક અનોખો કરાર (MOU) થયેલો છે: `તું તાં કામ કર, હું માં કામ કં!'

સૌરાષ્ટ્રનો `ડાયરા સ્ટાઈલ' વરસાદ છે. બકાજીકીવાળો

સૌરાષ્ટ્રનો વરસાદ ખરેખર થોડો આળસુ છે, પણ એથીય વધુ એ એ `ટેશડા' (મોજીલો) વાળો છે. એને તમે ગમે ત્યારે ન બોલાવી શકો. એ તો કાઠિયાવાડી ડાયરાના કલાકાર જેવો છે. મોજ આવશે તો રાત્રે બાર વાગ્યે એવો મંડાશે કે સવાર સુધી હેલી કરી નાખશે અને જો મૂડ નહીં હોય, તો આખું આકાશ કાળું-ડીબાંગ થઈને ડરાવશે, પવન ફૂંકાશે, એવું લાગશે કે હમણાં પૂર આવશે... અને પછી વરસાદના નામે માત્ર બે ટીપાં પડશે એ પણ તમારી નવી ધોયેલી ગાડી પર! જાણે કહી રહ્યો હોય: `આવવું હોય તો આવીએ હોં ભઈલા.'

કચ્છનો `અણધાર્યો મહેમાન' જેવો વરસાદ છે.

કચ્છનો વરસાદ એટલે શિયાળામાં આવતા મામા-ફોઈ જેવા મહેમાન. આવે ત્યારે આખું ઘર (એટલે કે આખું રણ) રાજી રાજી થઈ જાય. પણ આ મહેમાનની એક તકલીફ છે એને જવાનું મન જ નથી થતું! એકવાર ખાવડા કે ભુજ પર મન મૂકીને વરસે, પછી પાછો ન જાય. ધણી (ઘરના માલિક)ને ચિંતા થવા માંડે કે `ભલા માણસ, હવે અનાજ ખૂટશે હવે તો વિદાય લે!' છતાં, કચ્છવાસીઓ એને એટલો પ્રેમ કરે છે કે એ જાય ત્યારે આંખમાં પાણી અને હૃદયમાં 'આવજો'નો સાદ રહી જાય છે.

અમદાવાદનો `કંજૂસ' વરસાદ

હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદનો વરસાદ પક્કો અમદાવાદી છે. એ ક્યારેય એકસાથે બધું પાણી નહીં વાપરી નાખે. એ બજેટ જોઈને વરસે. આકાશમાં વાદળો એ રીતે ગોઠવાશે જાણે જીએસટી (GST)ની ગણતરી ચાલી રહી હોય.

`જો ભાઈ, પશ્ચિમ અમદાવાદ (સેટેલાઈટ, વસ્ત્રાપુર)માં અડધો કલાક પડીશું, એટલે પૂર્વ અમદાવાદ (બાપુનગર, નિકોલ)નો કોટા આવતા અઠવાડિયે ક્લિયર કરીશું.'

અમદાવાદમાં એવું બને કે નહેનગર સોસાયટીના નાકે ધોધમાર વરસાદ પડતો હોય અને સોસાયટીના છેલ્લે મકાનવાળો ધાબા પર કપડાં સૂકવતો હોય! આ વરસાદ `વેલ્યૂ ફોર મની'માં માને છે જેટલો ટેક્સ, એટલો જ વરસાદ!

સુરતનો `લોચો અને ઘારી' જેવો વરસાદ છે.

સુરતનો વરસાદ એકદમ લક્ઝુરિયસ છે. એ આવે એટલે રસ્તા પર પાણી કરતાં સુરતીઓનો આનંદ વધુ છલકાય. આ વરસાદ પલાળવા માટે ઓછો અને ડુમસ રોડ પર લોચો ખાવા જવા માટેની સિઝન ક્રિએટ કરવા માટે વધુ આવે છે. સુરતના વરસાદનો સ્વભાવ એકદમ રંગીલો છે. એ વરસીને જતો રહે પછી પણ હવામાં એવો ભેજ મૂકતો જાય કે માણસને કપડાં બદલવાનું મન થાય અને પછી લાગે, `ચાલ, આજે કંઈક નવું ખાઈએ!'

જોકે આ વખતે સુરતને અડધું ડુબાડી દીધું છે.

વડોદરાનો `આર્ટિસ્ટિક અને સંસ્કારી' વરસાદ છે.

વડોદરાનો વરસાદ એકદમ કલ્ચરલ છે. એ ક્યારેય તોફાની બનીને કોઈનું નુકસાન ન કરે (વિશ્વામિત્રી નદીના મગરને બાદ કરતાં!). એ શાંતિથી, કવિતાની જેમ વરસે. એ કળાના શોખીન જેવો છે. વડોદરામાં વરસાદ પડે એટલે નવરાત્રીના ગરબાના સ્ટેપ યાદ આવવા માંડે. ફાઈન આર્ટસના સ્ટુડન્ટ્સ છત્રી લઈને પેઈન્ટિંગ કરવા નીકળી પડે. આ વરસાદમાં એક ગ્રેસ (ગૌરવ) છે, એ ક્યારેય કાદવ-કીચડ કરીને પોતાનું સ્તર નીચું નથી કરતો.

કોર્પોરેટ ઓફિસનો `શનિ-રવિ' વરસાદ છે.

આ વરસાદનો કોઈ ભૌગોલિક વિસ્તાર નથી, આ આખી દુનિયાના નોકરિયાત વર્ગનો દુશ્મન છે. સોમવારથી શુક્રવાર સુધી આકાશમાં કાળઝાળ ગરમી હશે, સૂર્યનારાયણ 100ની સ્પીડે તપતા હશે. પણ જેવો શનિવારની સાંજનો ઓફિસ છૂટવાનો સમય થાય એટલે આ ભાઈ આકાશમાંથી ટપકી પડે.
શનિવાર રાત્રે: ધોધમાર વરસાદ (તમારો વિકેન્ડ પ્લાન કેન્સલ).
રવિવાર આખો દિવસ: ઝરમર ઝરમર (તમે પથારીમાંથી બહાર ન નીકળી શકો).
સોમવાર સવારે 8:00 વાગ્યે: આકાશ એકદમ સાફ, કૂતરાં પણ તડકામાં સૂતા હોય!
આ વરસાદ જાણે કોર્પોરેટ કંપનીઓ સાથે ટાઈ-અપ કરીને આવ્યો હોય એમ જ બિહેવ કરે છે.

હાઈવેનો `દગાબાજ' વરસાદ

તમે ક્યારેય લોન્ગ ડ્રાઈવ પર ગયા છો? હાઈવે પર એક એવો વરસાદ મળે છે જે માત્ર તમને હેરાન કરવા જ બનેલો છે. તમે ગાડી એકદમ ચકાચક ધોઈને નીકળ્યા હોવ. હાઈવે પર ગાડી 80ની સ્પીડે જતી હોય અને અચાનક આકાશમાંથી માત્ર 20 સેકન્ડ માટે ધોધમાર વરસાદ તૂટી પડે. તમારી ગાડી પર આજુબાજુની ટ્રકો કાદવ ઉડાડે, વિન્ડસ્ક્રીન ગંદી થઈ જાય. તમે જેવા વાઈપર ચાલુ કરો, ત્યાં જ વરસાદ ગાયબ! આગળ જાવ એટલે રસ્તો સુકોભઠ્ઠ! આ વરસાદ માત્ર અને માત્ર વાઈપરની ક્ષમતા ચેક કરવા માટે જ આવતો હોય છે.

અંતે, વરસાદી ફિલોસોફી પણ જાણી લો... 

વરસાદ ગમે તેવો હોય મુંબઈનો ટાઈમસર, સૌરાષ્ટ્રનો મોજીલો, કચ્છનો વ્હાલો કે અમદાવાદનો કંજૂસ પણ એ જ્યારે આવે છે ત્યારે આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં ભલે ગમે તેટલી આપાધાપી હોય, ગમે તેટલી ઉતાવળ હોય, ક્યારેક ક્યારેક થોડું આળસુ બની જવામાં, ક્યારેક મહેમાનની જેમ રોકાઈ જવામાં અને ક્યારેક મુંબઈગરાની જેમ પોતાની મસ્તીમાં વહી જવામાં જ સાચો આનંદ છે.

વિચાર વાયુ
બહાર નીકળતા છત્રી ઘરે ભૂલી જજો, કારણ કે ક્યારેક પ્લાન વગર પલળવાની મજા જ કંઈક અલગ હોય છે!