Wed Jun 10 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે પશ્ચિમ રેલવેની નવી પહેલ: 'સખી' WhatsApp ગ્રુપ દ્વારા મળશે ત્વરિત મદદ

2026-04-09 18:00:28
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ અને દહાણુ વચ્ચે લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતી લાખો મહિલા મુસાફરો માટે સારા સમાચાર છે. જો તમને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે, તો ગભરાવાની જરૂર નથી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મહિલાઓની સુરક્ષા માટે 'સખી' નામની એક ખાસ WhatsApp પહેલ શરૂ કરી છે. WhatsApp દ્વારા મહિલા મુસાફરો સીધા મહિલા RPF અધિકારીઓ સાથે જોડાઈ શકશે. તેથી, હવે કટોકટીની સ્થિતિમાં, થોડીવારમાં જ મદદ મળશે.

'સખી' ગ્રુપ કેવી રીતે કામ કરશે?
ચર્ચગેટથી દહાણુ સુધીના વિસ્તારમાં કુલ 11 વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપનું નેતૃત્વ મહિલા સબ-ઇન્સ્પેક્ટર અથવા આસિસ્ટન્ટ મહિલા સબ-ઇન્સ્પેક્ટર કરે છે. જો કોઈ મહિલા મુસાફર પુરુષો દ્વારા થતી છેડતી, ચોરી અથવા ઘૂસણખોરી અંગેનો ફોટો અને સ્ટેશનનું નામ ગ્રુપ પર પોસ્ટ કરે છે, તો આગામી એક કે બે સ્ટેશનો પર RPFના જવાનો મદદ કરવા માટે કોચમાં હાજર થશે . અત્યાર સુધીમાં, 1500 થી વધુ નિયમિત મહિલા મુસાફરો આ પહેલમાં જોડાઈ છે.

RPF એ માત્ર ટેકનિકલ સહાય જ નહીં, પરંતુ પ્રત્યક્ષ કાર્યવાહી પણ કરી છે. છેલ્લા છ મહિનામાં, રેલ્વે કાયદાની કલમ 162 હેઠળ મહિલાઓના ડબ્બામાં પ્રવેશ કરનારા 6,195 પુરુષો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘુસણખોરો પાસેથી 13,84,100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ પહેલ રેલવે સેફ્ટી કમિશનર રજત કુંડગીરની સંકલ્પનાને આધારે અમલમાં મુકવામાં આવી રહી છે. રેલવેની '139' હેલ્પલાઇન સેવા કાર્યરત હોવા છતાં, વોટ્સએપ પર ફોટા અને લોકેશન શેર કરવાનું સરળ હોવાથી ગુનેગારોને પકડવાનું સરળ બનશે.