બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત 5મી-6ઠ્ઠી લાઇનના વિસ્તરણને પણ મળશે વેગ
મુંબઈઃ પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં આવેલા ગરીબનગરમાંથી 5,300 ચોરસ મીટર જમીન પરનું અતિક્રમણ હટાવવાનું કામકાજ તબક્કાવાર પાર પાડવામાં આવી રહ્યું છે, જેમાં બુધવારે હિંસાના માહોલ પછી પરિસ્થિતિ કાબૂમાં આવી છે, પરંતુ સમગ્ર બેલ્ટમાંથી અતિક્રમણો હટાવવામાં આવ્યા પછી રેલવે લાંબા સમયગાળાના અનેક પ્રોજેક્ટ પર કામ કરી શકે છે, જેમાં સ્ટેશન રિડેવલપમેન્ટથી લઈને લાંબા અંતરની મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોની ફ્રિકવન્સીમાં પણ વધારો કરી શકાય છે.
અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધર્યા પછી નિરંતર સ્થાનિકોના વિરોધ થઈ રહ્યો છે, પરંતુ વહીવટી પ્રશાસનની સમજાવટ સહિત અન્ય બાબતો વચ્ચે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને કામકાજ ચાલું રાખ્યું છે. અહીં ગેરકાયદે રહેતા હજારો નાગરિકોના રોષના પણ ભોગ અધિકારીઓ-પોલીસ ભોગ બન્યા હતા. જોકે, થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Bandra East Garib Nagarमध्ये अतिक्रमण हटाव मोहीम | रेल्वे प्रशासन Action Mode मध्ये | गरीब नगरात Bulldozer Action#Mumbai #BandraEast #GaribNagar #BulldozerAction #MumbaiNews #Railway #Encroachment #BreakingNews #HighCourt #LatestNews pic.twitter.com/pmO2ccuflq
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) May 19, 2026
છેલ્લા ઘણા વર્ષોમાં આ અતિક્રમણો ઘણી વખત દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ રેલવેની જમીન ખાલી રહેતા, સ્થાનિકો ફરીથી ત્યાં પોતાના ઝુંપડા ઉભા કરી દેતા હતા. પરંતુ આ વખતે સિફતપૂર્વક કામકાજ પાર પાડી દેવામાં આવશે, જેથી પશ્ચિમ રેલવેના બાંદ્રા રેલવે સ્ટેશનનું વિસ્તરણ થવાનું નિશ્ચિત છે. અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા 23 મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યવાહી પૂર્ણ થતાંની સાથે જ સૌ પ્રથમ ગરીબનગરમાં લગભગ 5,300 ચોરસ મીટરના વિસ્તારની આસપાસ સેફ્ટી વોલ બનાવવામાં આવશે. ત્યાર બાદ આગામી વર્ષોમાં બાંદ્રા ટર્મિનસને પૂર્વ તરફ વિકસાવવામાં આવશે. રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મની સંખ્યા વધારવાની સાથે અન્ય માળખાકીય સુવિધાઓનો પણ વિસ્તાર કરવામાં આવશે.
હાલમાં બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી 22 મેલ-એક્સપ્રેસ ટ્રેનો ઉપડે છે. આગામી વર્ષોમાં આ સંખ્યામાં 50 ટકાનો વધારો થવાની ધારણા છે. પશ્ચિમ રેલ્વેના મુંબઈ ડિવિઝનમાંથી 50 નવી મેલ-એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાનો ઉદ્દેશ્ય છે. વર્ષોની કાનૂની કાર્યવાહી પછી ગરીબનગરમાં અતિક્રમણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું.
આ કાર્યવાહીથી બાંદ્રા ટર્મિનસના વિકાસ અને પશ્ચિમ રેલ્વેની 5મી અને 6ઠ્ઠી લાઇનના વિસ્તરણમાં પણ ઘણો ફાયદો થશે. સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે 5મી અને 6ઠ્ઠી લાઇનનું બાંધકામ ઝડપી બનાવવામાં આવશે.
આનાથી પશ્ચિમ રેલવેમાં મેઇલ/એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોને અલગ કરીને ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ મળશે. ઉપરાંત, નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ ઘણો ફાયદો થશે. આ અનધિકૃત બાંધકામો બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) તરફ જતા રૂટ પર હતા, તેથી કોમ્પ્લેક્સમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.