નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળની રાજકીય ઘટનાક્રમની સીધી અને તીવ્ર અસર હજારો કિલોમીટર દૂર આવેલા મહારાષ્ટ્રના રાજકારણ પર પડી રહી છે. કોલકાતામાં રાજકીય ઘટનાક્રમે વેગ પકડ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં મોટા ભાગલાની ચર્ચા છે. એવું કહેવાય છે કે આની સીધી અસર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની સોદાબાજીની તાકાત પર પડશે.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હતી. આથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એકનાથ શિંદેની શિવસેનાના 7 સંસદ સભ્ય, નીતીશ કુમાર (જેડીયુ), ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી) અને ચિરાગ પાસવાન (એલજેપી-આર) પર સંપૂર્ણપણે નિર્ભર હતી. ભાજપ પાસે પોતાની બહુમતી ન હોવાથી દિલ્હીના રાજકારણમાં એકનાથ શિંદેનું પલડું અચાનક ભારે થઈ ગયું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ મહાયુતિનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. ભાજપએ 132 બેઠકો જીતી હતી, જે શિવસેના-શિંદે જૂથની 57 બેઠકોની બમણી કરતા વધારે હતી. આ સંખ્યાને કારણે શિંદેને સીએમની ખુરશી ન મળી અને દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા હતા. શિંદે નાયબ મુખ્ય પ્રધાન બન્યા. અજિત પવારની એનસીપીના 41 વિધાન સભ્યો સાથે ભાજપ માત્ર શિવસેના પર નિર્ભર ન રહ્યો. પરિણામે શિંદે માટે કેન્દ્રના 7 સંસદસભ્યો મહત્વના હતા.
જો તૃણમૂલ કોંગ્રેસના 19 બળવાખોર સંસદ સભ્ય લોકસભામાં એનડીએને સમર્થનની જાહેરાત કરે તો દિલ્હીમાં સત્તાનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે. અલબત્ત ભાજપ સરકારના પતનનો ભય નાબૂદ થવા સાથે સંસદમાં અન્ય એક મોટા જૂથનું સમર્થન મળતા ભાજપની તેના હાલના સાથી પક્ષો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે સાથીદારોની દબાણ લાવવાની અથવા વાટાઘાટો કરવાની ક્ષમતાને લગભગ ખતમ થઈ જશે. આ ઘટનાની સીધી અસર મહારાષ્ટ્ર પર પડશે.
તૃણમૂલની ઘટનાપછી એનડીએમાં પોતાનું વજન જાળવી રાખવા માટે શિંદેએ મોરચો બનાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેના જૂથને તોડવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદેએ ઠાકરે જૂથના 10 માંથી 7 સંસદસભ્યોને પોતાના જૂથમાં લાવવા માટે આંદોલન શરૂ કર્યું છે.
જો શિંદે જૂથના સંસદ સભ્યોની સંખ્યા 7થી વધીને 14 થઈ જશે તો શિંદે જૂથ ફરી એકવાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો કરી શકશે. બીજી તરફ ભાજપ પણ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં મતદાર સંઘ પુનર્રચના ખરડો આસાનીથી પસાર થઈ શકે.