મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મળતી જાણકારી પ્રમાણે મુર્શિદાબાદ પોલીસે સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગેરકાનૂની રીતે આંતરરાષ્ટ્રીય બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ મામલે જાણ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કરી નાખ્યાં હતાં. પોલીસે કાર્યવાહી કરતા બોયરા મીરપુરમાં આવેલા ખેતરમાથી 7 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી છે. તેમની સામે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ લોકો ચેન્નઈમાં મજૂરી કામ કરતા હોવાનો પણ ખુલાસો
પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસ પ્રમાણે આ દરેક લોકોએ પોતાને બાંગ્લાદેશના ચપાઈનવાબગંજ જિલ્લાના રહેવાસી હોવાનું જણાવ્યું છે. આ દરેક લોકો ચેન્નઈમાં મજૂરી કામ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપ એવો છે કે, આ લોકો કોઈ પણ પ્રકારની કાનૂની ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી બાંગ્લાદેશ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેની પોલીસને બાતમી મળી હતી.
માનવ તસ્કરીની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી
અત્યારે આ તમામ સાથે પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આ લોકો સાથે કોઈ અન્ય વ્યક્તિ સામે છે કે નહીં? આ લોકોને આવવા અને જવા માટેની વ્યવસ્થા કરતો દલાલ છે કે નહીં? આ સાથે પોલીસ માનવ તસ્કરીની દિશામાં પણ તપાસ કરી રહી છે. પ્રાથમિક પુછપરછમાં તેઓ બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ લોકો ભારતમાં આવ્યાં કઈ રીતે? અત્યારે આ તમામ લોકોને લાલગોળા હોલ્ડિંગ સેન્ટર મોકલી દેવામાં આવ્યાં છે.
ધૂષણખોરીને રોકવા પોલીસ એલર્ટ મોડ પર
બોર્ડર પાસેથી બાંગ્લાદેશી લોકોની ધરપરડ થઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આવી રીતે થતી ધૂષણખોરીને રોકવા માટે પોલીસ બોર્ડર વિસ્તારમાં સતત નજર રાખી રહી છે. તાજેતરમાં ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર એક બાંગ્લાદેશી દાણચોરનો સામનો થયો હતો. જોકે, BSF દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેનું મોત થયું હતું. દાણચોર બર્મીઝ સિગારેટનો મોટો જથ્થો ભારતમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.