કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં હવે મમતા બેનર્જીએ લખેલી કવિતા " એપાંગ ઓપાંગ ઝાપંગ' ને પુસ્તકાલયમાં દૂર કરવામાં આવી શકે છે. આ અંગે રાજયના પુસ્તકાલય મંત્રી ગૌરીશંકર ઘોષે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે સરકારી સહાયિત પુસ્તકાલયો હવેથી ફક્ત તે જ પુસ્તકોનો સંગ્રહ કરશે જે માહિતીપ્રદ હોય અને રાષ્ટ્રીય ચેતનાને પ્રોત્સાહન આપે.
"એપાંગ ઓપાંગ ઝાપંગ" જેવા પુસ્તકો પુસ્તકાલયોમાંથી દૂર કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે રાજ્યના પુસ્તકાલયમાંથી ખાસ કરીને બાળકોના બૌદ્ધિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવામાં નિષ્ફળ રહેલા પુસ્તકો દૂર કરવામાં આવશે. ગૌરીશંકર ઘોષે જણાવ્યું હતું કે લોકો જ્ઞાન મેળવવા માટે પુસ્તકાલયોની મુલાકાત લે છે. તેથી ત્યાં ઉપલબ્ધ પુસ્તકો જ્ઞાન આપે અને મૂલ્યો કેળવે. તેમણે જાહેરાત કરી કે "એપાંગ ઓપાંગ ઝાપંગ" જેવા પુસ્તકો પુસ્તકાલયોમાંથી દૂર કરવામાં આવશે. મંત્રીના આ નિવેદનને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા લખાયેલા પુસ્તકો પર ટિપ્પણી તરીકે જોવામાં આવી રહ્યું છે.
પુસ્તકાલયોની જગ્યા આવા પુસ્તકો માટે બગાડવામાં નહીં આવે
તેમણે જણાવ્યું હતું કે પુસ્તકાલયોની જગ્યા આવા પુસ્તકો માટે બગાડવામાં નહીં આવે જે બાળકોના મન અને વ્યક્તિત્વના વિકાસમાં ફાળો આપતા નથી. તેમણે કહ્યું કે પુસ્તકાલયોમાં રવિન્દ્રનાથ ટાગોર, કાઝી નજરુલ ઇસ્લામ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન સાહિત્યિક વ્યક્તિઓ અને વિચારકોના કાર્યોનો સંગ્રહ કરવામાં આવશે. તેમજ છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા ઐતિહાસિક દિગ્ગજોના જીવનચરિત્રો પણ પુસ્તકાલયોના સંગ્રહનો ભાગ હશે.