મિલન ત્રિવેદી
દિલાની ટણક ટોળકી ભેગી થઈ અને શાળાની બહાર આવેલી ચાની ટપરી પર ગંભીર ચર્ચા કરી રહી હતી. જગત આખું ટેસ્ટ મેચ ભૂલી અને ટી ટ્વેન્ટી પાછળ દીવાનું છે. પરીક્ષામાં ટી ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં?
સાહેબ, દુનિયા બદલાઈ રહી છે. પહેલાં લોકો પાંચ-પાંચ દિવસ સુધી ધોતિયાં પહેરીને ટેસ્ટ મેચ જોતા, હવે ત્રણ કલાકમાં તો આખી ટુર્નામેન્ટ પતાવી દેવી છે. આ `ફાસ્ટ ફોરવર્ડ' જમાનામાં જો બધું જ બદલાતું હોય, તો આપણા બિચારા વિદ્યાર્થીઓએ શું પાપ કર્યું છે કે ત્રણ-ત્રણ કલાકના લાંબા `ટેસ્ટ ફોર્મેટ'માં પેન ઘસવી પડે?
ફૂડમાં હવે ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, ફટાફટ બ્રેકઅપ પણ થાય છે, લગ્નની લાઇફ પણ લાંબી ચાલતી નથી તો પરીક્ષામાં ટી- ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં આપણને અન્યાય થાય છે.
ઓફિસમાં દિલા એ જ્યારે `T-20 એક્ઝામ'નો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે સાહેબના ચહેરા પર એવા હાવભાવ હતા જાણે પહેલી જ ઓવરમાં પહેલા દડે કોઈએ સિક્સર ફટકારી દીધી હોય!
દિલાએ પ્રિન્સિપાલનું કામ આસાન કરવા પરીક્ષા ફોર્મેટ પણ આપી દીધું.
પાવર-પ્લે: જ્યારે `ફીલ્ડિંગ' ન હોય!
દિલાનો પહેલો જ સિક્સર જેવો આઈડિયા હતો પાવર-પ્લે! ભાઈ, ક્રિકેટમાં પાવર-પ્લેમાં ફીલ્ડર ઓછા હોય, પણ પરીક્ષામાં પાવર-પ્લે એટલે સુપરવાઈઝર વર્ગખંડમાંથી ગાયબ!
કલ્પના કરો, પરીક્ષા શરૂ થાય અને પહેલી 30 મિનિટમાં ક્લાસમાં કોઈ શિક્ષક ન હોય. આને કહેવાય અસલી સ્વતંત્રતા. ક્લાસમાં ત્યારે જે `ચર્ચાઓ' થાય, તેને `ગ્રુપ ડિસ્કશન' કહેવું કે `માસ કોપી' એ નક્કી કરવું અઘં પડી જાય. સાહેબ બહાર ઊભા-ઊભા પરસેવો લૂછતા હોય અને અંદર દિલો બૂમ પાડીને પૂછતો હોય, `એલા, ગાંધીજીના પિતાનું નામ શું હતું? કોઈને ખબર છે?' અને પાછળથી અવાજ આવે, `એ બધું છોડ, પાવર-પ્લે પતે એ પહેલાં ગણિતના દાખલા ઉતારી લે!'
સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ: જ્યારે `કોન્ફરન્સ' થાય!
ક્રિકેટમાં સચિન તેંડુલકર પણ ટાઈમ-આઉટમાં પાણી પીવા જાય છે, તો આપણા દિલાને તરસ ન લાગે? દર 20 મિનિટે બે મિનિટનો બ્રેક! આ બ્રેકમાં કોઈ પાણી નથી પીવાનું, પણ બાજુવાળાના પેપરમાંથી `જ્ઞાન' પીવાનું છે. બે મિનિટમાં જે રણનીતિ ઘડાય `જો ભાઈ, હું તને પર્યાવરણના પ્રશ્નો કહીશ, તું મને અંગ્રેજીના સ્પેલિંગ કહેજે' આવી ગોઠવણ જો મેદાન પર ધોની કરે તો એ `કેપ્ટન કૂલ' કહેવાય, પણ જો દિલો કરે તો એ `તોફાની' કહેવાય? આ તો અન્યાય છે ને?
ફ્રી-હિટ: માર્ક્સનો વરસાદ!
સૌથી જોરદાર વાત તો પેલી `ફ્રી હિટ'ની છે. પ્રશ્નપત્રમાં એક એવો પ્રશ્ન હોવો જોઈએ કે જેમાં તમે `ગપ્પાં' મારો તો પણ પૂરા માર્ક્સ મળે! માનો કે પ્રશ્ન પુછાયો હોય: `મોગલ સામ્રાજ્યના પતન વિશે લખો' અને ભુરો લખે, `સાહેબ, મને નથી ખબર કારણ કે હું ત્યારે હાજર નહોતો.' તો પણ માર્ક્સ તો પૂરા જ મળવા જોઈએ! ફ્રી હિટ એટલે ગમે તેવો શોટ મારો, આઉટ થવાની બીક જ નહીં. વિદ્યાર્થી ત્યારે પેન ફેરવતા-ફેરવતા લખે, `મારૂં નામ દિલો છે અને મને જલેબી ભાવે છે.' બસ, પાંચ માર્ક્સ રોકડા!
ચિયર ગર્લ્સ ને વિજય ઉત્સવ
પેલી દિલાની વાત તો સોનામાં સુગંધ ભળે એવી હતી. પેપર પતે એટલે સીધો ડાન્સ! હવે વિચારો, જેવું દિલાએ છેલ્લી લીટી લખી કે તરત જ ક્લાસમાં ડીજે વાગવા માંડે કે નહીં? અને બે છોકરીઓ આવીને ડાન્સ કરવા માંડે. આ જોઈને સાહેબને એટેક ન આવે તો બીજું શું થાય? સાહેબ જે આજીવન `શાંતિ જાળવો'ના પાટિયા નીચે બેઠા હોય એમને માટે આ `T-20 એન્ટરટેઈનમેન્ટ' સહન કરવું અઘં છે.
જો ખરેખર આવું ફોર્મેટ આવે તો ભારતનો સાક્ષરતા દર 100 ટકાથી પણ ઉપર નીકળી જાય (કારણ કે ઘણા તો ડાન્સ જોવા માટે ફરી પરીક્ષા આપે!).
ભુરો આજે વર્ગનો `મેન ઓફ ધ મેચ' હતો. સાહેબ બિચારા `ક્લિન બોલ્ડ' થઈને કાયમ માટે મેદાન છોડી ગયા.
વિચારવાયુ
જો પરીક્ષામાં ટી- 20 આવે તો નોકરીમાં પણ આવે જ ને?
દિવસમાં બે બે વાર અલગ અલગ કંપનીએ કાઢી મુકેલાના દાખલા જોવા મળશે.