શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અત્યારે NIAએ સઘન તપાસ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સોમવારે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી કાશ્મીર વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે દરમિયાન મધ્ય અને દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાના કથિત પ્રયાસોની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શોપિયા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં તપાસ શરૂ
NIAની ટીમ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદથી શ્રીનગરમાં લાલ બજાર વિસ્તારમાં અને દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૈનાપોરાના મુલૂ ચિત્રગામ વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે રેડ પાડવામાં આવી તે વ્યક્તિ કથિત રીતે જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો હતો. એટલું જ નહીં પરંતુ શોપિયા જિલ્લામાં અમીર-એ-જમાત સાથે પણ રહેલો છે. વધુમાં, તે જામિયા સિરાજ-ઉલ-ઉલૂમ, ઇમામ સાહિબ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળતા તેના પર શંકા જઈ રહેલી છે.
સિરાજ-ઉલ-ઉલૂમ સંસ્થામાં પણ દરોડા પાડવામાં આવ્યા
શોપિયાના ઇમામ સાહિબ વિસ્તારમાં સ્થિત જમાત-એ-ઇસ્લામીના સહયોગી સિરાજ-ઉલ-ઉલૂમ સંસ્થામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરોડા NIA દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદ અને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે જમાત-એ-ઇસ્લામીની પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાના કથિત પ્રયાસોની તપાસનો એક ભાગ છે.
મળતી વિગતો પ્રમાણે ફેબ્રુઆરી 2024 માં, કેન્દ્ર સરકારે 'જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર' ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની કલમ 3(1) હેઠળ આગામી પાંચ વર્ષ માટે 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કર્યું હતું. જમાત-એ-ઇસ્લામી પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા, અલગતાવાદી વિચારધારાને ટેકો આપવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.