વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત સમજૂતીની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, વિદેશી બેંકોમાં ઈરાનના ફ્રીઝ (બ્લોક) કરાયેલા ફંડને મુક્ત (રિલીઝ) કરવા બાબતે બંને દેશો વચ્ચે ગંભીર મતભેદો ઉભા થયા છે, જેના કારણે ખાડી વિસ્તારમાં તણાવ ઓછો કરવા અને હોર્મુઝને ફરીથી ખોલવાની પ્રસ્તાવિત સમજૂતી પર સંકટ ઘેરાયું છે.
તેહરાને સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી અમેરિકા સમજૂતીના શરૂઆતના તબક્કામાં જ ઈરાનની કેટલીક બ્લોક કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવા માટે સહમત નહીં થાય, ત્યાં સુધી કોઈ અંતિમ સમજૂતીની શક્યતા નથી. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઈરાનનું માનવું છે કે અમેરિકાએ વાતચીત દરમિયાન ઘણી વખત પોતાનું વલણ બદલ્યું છે અને અગાઉ બનેલી સહમતીઓ છતાં મુખ્ય શરતો પર અડચણો ઊભી કરી છે.
ઈરાને પોતાનો આ સંદેશ પાકિસ્તાન અને પશ્ચિમ એશિયાના એ દેશો સુધી પણ પહોંચાડી દીધો છે, જેઓ બેકચેનલ ડિપ્લોમસીમાં મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈરાન હવે માત્ર અમેરિકાના આશ્વાસનો પર ભરોસો કરવા તૈયાર દેખાતું નથી. તેનું કહેવું છે કે અગાઉના અનુભવોને જોતાં માત્ર કાગળ પરની ગેરંટી પૂરતી નહીં ગણાય અને પ્રસ્તાવિત સમજૂતી હેઠળ વિદેશી બેંકોમાં ઈરાનના ફ્રીઝ (બ્લોક) કરાયેલા ફંડને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
આ દરમિયાન અમેરિકી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વોશિંગ્ટન (અમેરિકા) અને તેહરાન (ઈરાન) વચ્ચે અત્યાર સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને કેટલાય મોટા મુદ્દાઓ પર મતભેદો યથાવત છે. પ્રસ્તાવિત સમજૂતીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવું અને ઈરાનના હાઈ-એનરિચ્ડ યુરેનિયમ (ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ)ના ભંડારને સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે. જો કે, યુરેનિયમનો નિકાલ કરવા અને ભવિષ્યમાં પરમાણુ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધના સમયગાળાને લઈને હજી પણ સહમતી સધાઈ શકી નથી.