ઉમેશ ત્રિવેદી
આગામી અઠવાડિયે એટલે કે 16 એપ્રિલે પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શન 14 વર્ષે ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની હીરોઈન વામિકા ગબ્બી છે. વામિકા ગબ્બીની ઉંમર અત્યારે 32 છે અને અક્ષયકુમારની ઉંમર 58 વર્ષ છે. આ વાતની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે ‘ભૂત બંગલા’માં અક્ષયકુમાર તેનાંથી 26 વર્ષ નાની હીરોઈન સાથે પ્રણયદૃશ્યો ભજવવાનો છે. વામિકા ગબ્બી માટે- તેની કારકિર્દી માટે આ ફિલ્મ ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે.
આમ તો વામિકા ગબ્બી પંજાબી ફિલ્મોમાં ખૂબ જ મોટું નામ ગણાય છે. ત્યાં તેણે અનેક હીટ ફિલ્મો આપી છે. જોકે, હિન્દી ફિલ્મોમાં આ તેની પહેલી ફિલ્મ નથી. હિન્દી ફિલ્મોમાં તેણે બાળકલાકાર તરીકે શરૂઆત કરી છે અને એ પણ ‘સુપરહીટ’ ફિલ્મથી. કરીના કપૂર અને શાહિદ કપૂરની 2007માં આવેલી ફિલ્મ ‘જબ વી મેટ’માં તેણે કરીના કપૂરની ‘કઝીન’ની ભૂમિકા ભજવી હતી.
તે સમયે તેની ઉંમર 13 વર્ષની હતી. તેના એક વર્ષ પછી જ તેણે પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી લીધી હતી. તેને હીરોઈન તરીકે લોન્ચ કરવામાં આવી હતી. પંજાબીમાં તેણે કરેલી પહેલી જ ફિલ્મમાં અમરીન્દર ગીલ અને યો યો હની સિંહ જેવા સહકલાકારો મળ્યા હતા. હીરોઈન તરીકે તેની આ પહેલી જ ફિલ્મ હતી, જે કોમેડી હતી અને યોગાનુયોગે અત્યારે પ્રિયદર્શન સાથેની ફિલ્મ પણ હોરર-કોમેડી છે.
પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવ્યા પછી સુધીર બાબુ સાથે તેલુગુ ફિલ્મમાં પ્રવેશ મેળવ્યો, ત્યાર પછી 2016માં તેણે તમિળ ફિલ્મોમાં તેને સફળતા મળી. 2017માં તેણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પણ એન્ટ્રી મેળવી. મલયાલમ ફિલ્મ ‘ગોધા’માં તેણે પંજાબી કુસ્તીબાજ (રેસલર)ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાને ન્યાય આપવા માટે તેણે અમૃતસરમાં ખાસ ટ્રેનિંગ લીધી હતી અને એક મહિના સુધી કોચ સાથે જ રહી હતી.
જોકે, ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્શન દૃશ્યો જાતે જ ભજવવા જતાં તેને આખા શરીરમાં સંખ્યાબંધ ઈજા પહોંચી હતી, પણ ‘ગોધા’ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળતાં તેની મહેનત રંગ લાવી હતી.
એક બાજુ તેલુગુ, તમિળ અને મલયાલમ ફિલ્મોમાં સફળતા મળતી હતી તો બીજી તરફ તેની પંજાબી ફિલ્મો એક પછી એક હીટ થતી ગઈ. 2013થી 2025 સુધીમાં વામિકાએ લગભગ 20થી 22 પંજાબી ફિલ્મ કરી છે, જેમાંની મોટાભાગની હીટ કે સુપરહીટ રહી. વામિકાનું નસીબ ખૂબ જ સારું છે. પંજાબી ઉપરાંત તેલુગુ, તમિળ, મલયાલમ જે કોઈ ભાષામાં તેણે ફિલ્મો કરી છે, તે લગભગ બધી જ હીટ થઈ છે. જોકે, પંજાબી ફિલ્મોને કારણે તે સાઉથની વધારે ફિલ્મો કરી શકતી નથી. આજસુધીમાં તેણે સાઉથની સાત કે આઠ ફિલ્મ કરી છે અને તેણે પણ બોક્સ ઓફિસ ગજાવી છે.
હિન્દી ફિલ્મોની વાત કરીએ તો 2025માં તેની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. એક વરુણ ધવન સાથેની ‘બેબી જોન’, ‘બેબી જોન’માં વામિકા ગબ્બીની ભૂમિકા ખૂબ જ રસપ્રદ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ ગજાવી શકી નહોતી. આ ફિલ્મમાં વામિકા અને કિર્તી સુરેશ એમ બે હીરોઈન હતી.
2025માં જ વામિકાની બીજી હિન્દી ફિલ્મ ‘ભૂલચૂક માફ’ રજૂ થઈ હતી, જેમાં તેનો હીરો રાજકુમાર રાવ હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠીક-ઠીક ચાલી હતી. આ અગાઉ વામિકાએ બોલિવૂડમાં ‘લવ આજકલ’, ‘મૌસમ’, ‘બિટ્ટુ બોસ’, ‘83’, ‘ખૂફિયા’ જેવી ફિલ્મો કરી છે, પણ તેની જોઈએ એવી નોંધ લેવાઈ નથી.
હા, સીધી ઓટીટી પર રજૂ થયેલી સિદ્ધાંત ગુપ્તા સાથે ‘જ્યુબિલી’માં વામિકાનો અભિનય લા-જવાબ રહ્યો. એ જ રીતે ‘ભૂત બંગલા’ પણ એના માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થવાની શક્યતા છે. જોકે, આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને તબુ જેવા સહકલાકારો છે, ત્યારે તેનાં ભાગે અક્ષયકુમાર સાથે ગીતો ગાવા સિવાય કેટલાં દૃશ્યો આવ્યા છે એ તો ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે.
વામિકાની આગામી હિન્દી ફિલ્મ ‘પતિ-પત્ની ઔર વોહ-ટુ’ છે, જેમાં આયુષમાન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ જેવાં સહકલાકારો છે. વામિકાએ ફિલ્મો ઉપરાંત હિન્દી, તમિળ સિરિયલોમાં પણ ભૂમિકા કરી છે. 2021થી તેણે સિરિયલો અને સિરીઝ મળીને આઠેક સિરિયલ કરી છે, જેમાંની મોટાભાગની હિન્દી સિરિયલો છે.
મૂળ પંજાબનાં ચંડીગઢમાં જન્મેલી વામિકાએ ત્યાંની ડીએવી કોલેજમાંથી આર્ટસની ડિગ્રી મેળવી છે. તેનાં પિતા ગોવર્ધન ગબ્બી હિન્દી અને પંજાબી સાહિત્યમાં મોટું નામ ધરાવે છે. વામિકા માટે અભિનય કારકિર્દી મહત્ત્વની છે અને આજસુધીમાં તે પોતાની માતૃભાષા પંજાબી સહિત કુલ પાંચ ભાષામાં ફિલ્મો કરી ચૂકી છે અને હિન્દી-તમિળમાં સિરિયલો અને સિરીઝ પણ કરી છે.
OTTનું હોટસ્પોટઃ 11થી 17 એપ્રિલ દરમિયાન નવી ફિલ્મોની ભરમાર
એક તરફ આઈપીએલની મેચ રંગ જમાવી રહી છે ત્યારે આ અઠવાડિયા દરમિયાન ઓટીટી પર અનેક નવી ફિલ્મોનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે. તેમાં ‘નેટફિલક્સ’ પર અમુક ફિલ્મો સીધી જ આવી રહી છે.
*નેટફિલક્સ:
આ ઓટીટી ચેનલ પર 15 એપ્રિલે કોમેડી ફિલ્મ ‘ટોસ્ટર’નો પ્રીમિયર માણવાની તક છે. રાજકુમાર રાવ, સાન્યા મલહોત્રા, અર્ચના પુરણસિંહ, અભિષેક બેનર્જી અને સીમા પાહવા અભિનીત આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. અહીં 16 એપ્રિલે અંગ્રેજી સિરિયલ ‘બીફ’ની બીજી સીઝન અને 16મીએ જ ‘રોનાલ્ડિન્હો: ધ વન એન્ડ ઓન્લી’ નામની ડોક્યુમેન્ટ્રી જોવા મળશે. તો 17 એપ્રિલે મોડર્ન લવસ્ટોરી ગણાતી ફિલ્મ ‘દો દિવાને શહર મેં’ રજૂ થશે, જેમાં મુખ્ય કલાકારો મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી છે.
*એમેઝોન પ્રાઈમ:
અહીં 17 એપ્રિલથી ‘મટકા કિંગ’નું પ્રસારણ શરૂ થશે. આ ફિલ્મના મુખ્ય કલાકરો વિજય વર્મા, કૃતિકા કામરા, સઈ તામ્હણકર, સિદ્ધાર્થ જાધવ અને ગુલશન ગ્રોવર છે.
*ઝી ફાઈવ:
17 એપ્રિલે અહીં કોર્ટરૂમ ડ્રામા ‘અસ્સી’ રજૂ થશે. ફિલ્મનાં મુખ્ય કલાકારો તાપસી પન્નુ અને મોહમ્મદ ઝિશાન અયુબ છે.
*જિયો હોટસ્ટાર:
15 એપ્રિલથી અહીં ‘યુફોરિયા’ ની ત્રીજી સીઝનનું પ્રસારણ શરૂ થવાનું છે.