મુંબઈઃ એક સમયે ભારતના ટોચના બૅટ્સમેનોમાં ગણાતો વિનોદ કાંબળી ફરી એક વાર સ્વાસ્થ્યની બાબતમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને ડૉક્ટરોએ તેને ચેતવણી આપી છે કે તેની માનસિક બીમારીઓને ધ્યાનમાં લેતાં તેને ગમે ત્યારે બ્રેઇન સ્ટ્રૉક આવી શકે.
કાંબળી છેલ્લે 18 મહિના પહેલાં મુંબઈની રમાકાંત આચરેકર મેમોરિયલ સંબંધિત ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. ત્યારે જ તેની માનસિક સ્થિતિ સારી નહોતી લાગી અને તે ચાલવામાં સંતુલન ગુમાવી બેસતો હતો. કાંબળીએ દારૂ પીવાનું છોડી દીધું હોવાનું મનાય છે.
જોકે ભૂતકાળમાં તેણે ખૂબ સ્મોકિંગ કર્યું હોવાને કારણે તેના મગજમાં એક ગાંઠ થઈ ગઈ છે જે હવે કાઢી ન શકાય, કારણકે અગાઉ તેણે કોઈ જ પૂર્વસાવચેતી ન રાખી હોવાથી આ પ્રકારનું ઑપરેશન જીવલેણ સાબિત થઈ શકે. તે વિલ પાવરને લીધે જ લાંબુ જીવી રહ્યો છે. એવું મનાય છે કે તેની સ્મોકિંગની આદત જતી નથી. ક્યારેક તે નજીકની કોઈક વ્યક્તિને અથવા ઑટોરિક્ષા ડ્રાઇવરને સિગારેટ લાવી આવવાની આજીજી કરતો હોય છે.
દરમ્યાન કાંબળી ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે અને એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર કાંબળીના મિત્રો (Friends)એ એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું છે અને એમાં કાંબળી માટે ભંડોળ ઊભું કરવા વિશેની ચૅટ થતી રહેતી હોય છે. એ ગ્રૂપમાં કાંબળીના કેટલાક ફૅન્સનો પણ સમાવેશ છે.
કાંબળી (Kambli)ના નજીકના મિત્ર માર્કસ કૉટોએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે `વિનોદની યાદશક્તિ નબળી પડી ગઈ છે. તેને હવે બહુ યાદ નથી રહેતું. જોકે અચાનક તેને કંઈક યાદ આવી જાય તો મિત્ર સમક્ષ વ્યક્ત કરી દે છે.