Mon May 25 2026

Logo

વિદર્ભ આગની ભઠ્ઠીમાં તપ્યું: વર્ધામાં ૪૭.૧ ડિગ્રી ગરમીનું મોજું ફરી વળ્યું,

2026-05-20 22:37:45
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યમાં એક તરફ અમુક જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી રહયો છે ત્યારે વિદર્ભ આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સમગ્ર વિદર્ભમાં ગરમીનું મોજું ફરી વળતા મોટાભાગના વિસ્તારમાં ૪૫ ડિગ્રીની ઉપર તાપમાનનો પારો નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન વર્ધામાં ૪૭.૧ ડિગ્રી જેટલું નોંધાયું હતું.

ચોમાસું નજીક છે ત્યારે રાજ્યમાં હાલ વિચિત્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. અમુક જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે મરાઠવાડા સહિત વિદર્ભમાં ગરમીનું મોજું ફરી વળતા મોટાભાગના જિલ્લામાં ૪૦ ડિગ્રીથી ઉપર તાપમાનનો પારો નોંધાઈ રહ્યો છે, તેમાં પણ વિદર્ભના મોટાભાગના વિસ્તારમાં ૪૫થી ૪૭ ડિગ્રીની આસપાસ પારો  નોંધાયો હતો, જેમાં રાજ્યમાં સૌથી હાઈએસ્ટ તાપમાન વર્ધામાં ૪૭.૧ ડિગ્રી, તો અકોલામાં ૪૫.૨ ડિગ્રી, અમરાવતી ૪૬.૪,  ચંદ્રપુર ૪૬.૨ ડિગ્રી, ગોંદિયા ૪૪.૯ ડિગ્રી, નાગપુર ૪૬.૬ ડિગ્રી, યવતમાળમાં ૪૫.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે  મરાઠવાડાના છત્રપતિ સંભાજી નગરમાં ૪૧.૬ ડિગ્રી, પરભણીમાં ૪૩.૦ ડિગ્રી, બીડમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના વિદર્ભ અને મરાઠવાડા જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. હજી બે-ત્રણ દિવસ તેની અસર રહેશે. તેથી નાગરિકોને આવશ્યકતા ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવાનું રહેશે. આગામી  ચાર-પાંચ દિવસ દરમ્યાન વિદર્ભમાં તાપમાન ઊંચુ જ રહેવાની શકયતા છે.