(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈ-વિરારના રહેવાસીઓને આવતા અઠવાડિયા સુધી પાણીની હાલાકીનો સામનો કરવો પડવાનો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સુર્યા પાણી પુરવઠા યોજનાના બીજા ફેઝ અંતર્ગત આવતા ટેક્નિકલ કામ પૂરા કરવા માટે શનિવાર, ચાર એપ્રિલથી દસ એપ્રિલ સુધી સાત દિવસનો શટડાઉન લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન એમએમઆરડીએ દ્વારા પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરીને રાખીને તથા સંભાળીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
વસઈ-વિરાર શહેરની પ્રતિદિન ૪૦૦ મિલ્યન લિટર પાણીની આવશ્યકતા છે. હાલના તબક્કામાં સૂર્યા ફેઝ-વન અને ફેઝ-૩ તેમ જ એમએમઆરડીએની યોજનામાંથી શહેરને કુલ ૩૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. એમએમઆરડીએ દ્વારા ૪થી ૧૦ એપ્રિલ દરમ્યાન સુર્યા પાણીપુરવઠા યોજનાના ટેક્નિકલ કામ પૂર્ણ કરવા માટે શટડાઉન લેવામાં આવવાનો છે. આ કામને કારણે ૧૫૦ મિલ્યન લિટર પાણીપુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે. તેથી શહેરના દૈનિક પાણી વિતરણમાં પાણીની અછત નિર્માણ થવાની છે. આ કામ દરમ્યાન પાલિકા દ્વારા ‘ઝોનિંગ’ પદ્ધતિ લાગુ કરીને પાણીકાપ મૂકવામાં આવ્યો છે.
ટેક્નિકલ સમારકામ દરમ્યાન પાણીપુરવઠો ઓછા દબાણ સાથે અપૂરતું મળવાની શક્યતા હોવાથી નાગરિકોએ પાણીનો સંગ્રહ કરીને તેમ જ સંભાળીને વાપરવાનું રહેશે. ૧૧ એપ્રિલથી પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે.
કયાં વિસ્તારમાં કયારે પાણી બંધ રહેશે?
૪ એપ્રિલ- વિરાર પૂર્વ અને પશ્ર્ચિમ
૫ એપ્રિલ- નાલાસોપારા પૂર્વ અને પશ્ર્ચિમ
૬ એપ્રિલ - નવઘર, વસઈ
૭ એપ્રિલ - વિરાર પૂર્વ અને પશ્ર્ચિમ
૮ એપ્રિલ -નાલાસોપારા પૂર્વ અને પશ્ર્ચિમ
૯ એપ્રિલ -નવઘર, વસઈ
૧૦ એપ્રિલ - વિરાર પશ્ર્ચિમ અને નાલાસોપારા પશ્ર્ચિમ