Sat Sep 12 2026

Logo

જાલનાના યુવકે દેવું ચૂકવવા માટે વસઇમાં ચેનચોરીનો ગુનો આચર્યો

2026-08-07 20:09:09
Author: Yogesh D. Patel
જાલનાના યુવકે દેવું ચૂકવવા માટે વસઇમાં ચેનચોરીનો ગુનો આચર્યો

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં ચેનચોરી બદલ જાલનાના યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કૃષિ દેવું ચૂકવવા માટે તેણે ગુનો આચર્યો હતો. યુવકની ઓળખ ગણેશ મારુતિ નરવડે તરીકે થઇ હોઇ તે મૂળ જાલના જિલ્લાનો વતની છે અને હાલ વસઇ પશ્ર્ચિમમાં ઉમેલમાન વિસ્તારમાં રહે છે. પોલીસે ગણેશ પાસેથી એક લાખ રૂપિયાની ચોરીની ચેન જપ્ત કરી હતી, એમ ડીસીપી (ઝોન-2 વસઇ) અશોક વિરકરે કહ્યું હતું.

જ્હોન બાબુરાવ બોરાડે (74) નામનો વૃદ્ધ 27 જુલાઇએ વસઇ પશ્ર્ચિમમાં તેના ઘરે જઇ રહ્યો હતો ત્યારે ગણેશે તેને પાછળથી રોક્યો હતો અને તેના ગળામાંની સોનાની ચેન આંચકીને ગણેશ ફરાર થઇ ગયો હતો. એ વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ હતી.

દરમિયાન આ પ્રકરણે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી અને ડિટેક્શન બ્રાન્ચ (ડીબી)ની ટીમે ઘટનાસ્થળ સહિત 100થી 150 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઓળખી કાઢ્યો હતો. બાદમાં આરોપીની શોધ ચલાવી તેને પકડી પાડ્યો હતો.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીને તેના વતનમાં ખેતીમાં નુકસાન થવાથી ભારે દેવું થઇ ગયું હતું. આથી ચોરેલું સોનું વેચવાથી તેની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે એવું માનીને તેણે ચેનચોરીનો ગુનો આચર્યો હતો. (પીટીઆઇ)