એડ્મિશનના સમયગાળામાં શરૂ કરાતાં કૉલ સેન્ટર્સને પછી તાળાં મારી આરોપી રફુચક્કર થઈ જતા: 10 જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશની પ્રતિષ્ઠિત કૉલેજો-યુનિવર્સિટીમાં એડ્મિશન અપાવવાને નામે સ્ટુડન્ટ્સના વાલીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનારાં પુણેનાં બે કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી મુંબઈ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બોગસ કૉલ સેન્ટર શરૂ કર્યા પછી એડ્મિશન પ્રક્રિયા પૂરી થવા પહેલાં જ તાળાં મારીને રફુચક્કર થઈ જતી ટોળકી બીજાં રાજ્યોમાં ધામા નાખતી હતી. વાલીઓને જાળમાં સપડાવવા માટે આ ટોળકી ઈન્સ્ટાગ્રામ પર જાહેરખબર આપતી હતી.
અંધેરીના પવઈ ખાતે રહેતી મહિલા ગ્રેસી સ્વામી (47)ની ફરિયાદને આધારે પવઈ પોલીસે 17 જુલાઈએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઈન્સ્ટાગ્રામ પરની જાહેરાત જોઈ ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ ગૌતમ અને સુમિત તરીકે આપી હતી. ફરિયાદીના દીકરાને આઈઆઈટી હૈદરાબાદમાં પ્રવેશ મેળવી આપવાને નામે 16.50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની પણ વિગતો મેળવવામાં આવી હતી. આરોપીએ સંબંધિત બૅન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને પાંચ મોબાઈલ ફોન ખરીદ્યા હતા. પોલીસે એ મોબાઈલ ફોનના લૉકેશનને ટ્રેસ કર્યું હતું.આરોપીઓ પુણેમાં લોહગાંવ ખાતે વિમાનનગરમાં આવેલા કૉલ સેન્ટરમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. સ્થાનિક પોલીસની મદદથી પવઈ પોલીસે એ કૉલ સેન્ટર પર રેઇડ કરી હતી. તેમણે આપેલી માહિતી પરથી ખરાડી ખાતે આવેલા બીજા કૉલ સેન્ટર પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
બન્ને કૉલ સેન્ટરમાંથી પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાંથી ચાર બિહારના, ચાર ઉત્તર પ્રદેશના અને એક-એક હરિયાણા અને ઝારખંડના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોર્ટે આરોપીઓને 20 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.કૉલ સેન્ટર્સમાંથી બાવીસ મોબાઈલ, 23 સિમ કાર્ડ, લૅપટોપ, સાત ડેબિટ કાર્ડ અને બે કાર જપ્ત કરી હતી. છેતરપિંડી માટે આરોપીઓએ વાપરેલાં બૅન્ક ખાતાંમાં પોલીસે 24 લાખ રૂપિયા સીઝ કર્યા હતા. આ ટોળકી વિરુદ્ધ ગુજરાત, મુંબઈ, નાગપુર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પોલીસમાં છ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં આ ટોળકી કૉલ સેન્ટર શરૂ કરતી હતી. પછી એડ્મિશન પ્રક્રિયા પૂરી થવા પહેલાં જ કૉલ સેન્ટરને તાળાં લગાવી ટોળકી ફરાર થઈ જતી. બાદમાં બીજાં રાજ્યોમાં જઈને આ રીતે વાલીઓને છેતરવા કૉલ સેન્ટર શરૂ કરવામાં આવતું. 2019થી આ રીતે કૉલ સેન્ટર શરૂ કરીને ઠગ ટોળકી નાણાં પડાવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.