મુંબઈ: મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3એ (MUTP-3A) હેઠળ પશ્ચિમ રેલવે પર ₹ 2,184 કરોડના ખર્ચે બોરીવલી અને વિરાર વચ્ચે 26 કિમીના માર્ગ પર 5મી અને 6ઠ્ઠી લાઇન નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
હાલમાં પ્રોજેક્ટનું 30 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ વધારાની બે રેલવે લાઇન શરૂ થવાથી લાંબા અંતરની ટ્રેનો અને મુંબઈ લોકલ સેવાઓ અલગ થઈ જશે, જેનાથી લોકલ ટ્રેનોની સંખ્યા અને સ્પીડ બંનેમાં વધારો થશે. પ્રોજેક્ટ 2029 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મુંબઈ રેલ વિકાસ નિગમ દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3એ હેઠળ આ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. બોરીવલી-વિરાર વચ્ચેના માર્ગ પર ઉપનગરીય ટ્રેનો ઉપરાંત લાંબા અંતરની અને અન્ય ટ્રેનોની અવરજવર રહેતી હોવાથી હાલના રેલવે નેટવર્ક પર ભારે દબાણ છે. નવી લાઈનના ઉમેરાવાથી ટ્રેન સંચાલનની ક્ષમતા વધારવા અને ઉપનગરીય તથા અન્ય ટ્રેન સેવાઓને અલગ રાખવામાં મદદ મળશે.
પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિક અને સિવિલ કામમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વસઈના ઉમેલમણ વિસ્તારમાં પ્રોજેક્ટ માટે 11.929 હેક્ટર ખારાપટની જમીન સોંપવામાં આવી છે, જ્યારે બાકીની જમીન સંપાદનની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. આ ઉપરાંત, વન અને મેન્ગ્રોવ્ઝ સંબંધિત આવશ્યક મંજૂરીઓ પણ મેળવી લેવાઈ છે.
રેલવેના વિવિધ માળખાંને ખસેડવાની કામગીરી પણ અનેક સ્થળોએ શરૂ કરવામાં આવી છે અથવા અંતિમ તબક્કામાં છે. દહિસર, મીરા રોડ, ભાયંદર, નાયગાંવ, નાલાસોપારા અને વસઈ રોડ ખાતે રેલવે માળખાંના સ્થળાંતરનું કામ ચાલી રહ્યું છે. દહિસર, નાયગાંવ અને નાલાસોપારા ખાતે ફૂટ ઓવરબ્રિજ અને પ્લેટફોર્મ સંબંધિત કામ પણ પ્રોજેક્ટનો ભાગ છે.
આ પ્રોજેક્ટ માત્ર બે નવી રેલવે લાઇન ઉમેરવા પૂરતો મર્યાદિત નથી. પ્રોજેક્ટ હેઠળ 3 મોટા પુલ, 3 નાના પુલ અને એક રોડ ઓવરબ્રિજનું કામ પણ હાથ ધરાયું છે. સાથે જ મોટા પાયે માટીકામની કામગીરી ચાલી રહી છે. બ્રિજ નંબર 73 અને 75 માટે પાયાનું કામ અને માળખાં તૈયાર કરવાની કામગીરીમાં પણ પ્રગતિ થઈ રહી છે.
પ્રોજેક્ટના કદનો અંદાજ મોટા પાયે થઈ રહેલા માટીકામ પરથી પણ લગાવી શકાય છે. બ્રિજ નંબર 75, નાયગાંવ અને પાંજુ આઇલેન્ડ વચ્ચેના વિસ્તારોમાં આશરે 1.30 લાખ ઘન મીટર માટીકામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે અન્ય એક માટીકામના પેકેજમાં આશરે 70,000 ઘન મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
બોરીવલી-વિરાર કોરિડોરમાં વધારાની બે લાઈનો શરૂ થયા બાદ રેલવેની કુલ ક્ષમતામાં વધારો થશે. વિવિધ પ્રકારની ટ્રેનો વચ્ચે હાલ સર્જાતી અવરજવર અને સંચાલન સંબંધિત અડચણો ઘટાડવામાં પણ મદદ મળશે. પરિણામે ઉપનગરી ટ્રેનો માટે વધુ જગ્યા અને સંચાલનમાં વધુ સેવાઓ ઉપલબ્ધ થઈ શકે છે.
જોકે, ગીચ વસ્તી ધરાવતા મુંબઈ મહાનગર વિસ્તારમાં પહેલેથી જ ભારે ટ્રાફિક અને વસાહતો વચ્ચે આટલા મોટા પાયે રેલવે પ્રોજેક્ટનું બાંધકામ કરવું પડકારજનક છે. હાલની રેલવે વ્યવસ્થાને ચાલુ રાખીને બાંધકામ કરવાનું હોવાથી રેલવે માળખાંનું સ્થળાંતર અને જમીન સંપાદન જેવી કામગીરી પણ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ બની છે.
હાલ પ્રોજેક્ટનું આશરે 30 ટકા કામ પૂર્ણ થયું છે અને બાકીની કામગીરી માટે હજુ કેટલાક વર્ષોનો સમય લાગશે. 2029 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.