અમદાવાદઃ શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે. ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરમાં દરોડાની હેટ્રિક કરી નરોડામાંથી વિદેશી દારૂના 10.97 લાખના જથ્થા સાથે રૂ. 32 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. બે રીઢા બુટલેગરો દ્વારા નરોડા જીઆઈડીસીમાંથી બે લક્ઝરીયસ ગાડીઓમાંથી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. ત્યારે મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે, બુટલેગરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલના મયુર ચાવડા અને ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી કે રીઢા બુટલેગરો હારૂન જબ્બાર શેખ તથા મુકેશ ઉર્ફે મુકો શૂટર રમેશજી વાઘેલાએ ફરીથી દારૂનો વેપલો શરૂ કરી દીધો છે. તેઓ નરોડા જીઆઈડીસી ફેઝ-1 ખાતે અમી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી પાસેની અવાવરુ જગ્યામાં દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ઇન્સ્પેક્ટર ત્રિવેદી તથા મહિપતસિંહ સહિતના કર્મચારીઓની ટીમે રાત્રે અમી એન્ટરપ્રાઇઝ પાસે વોચ ગોઠવાઈ ગઈ હતી. ત્યારે અંધારામાં બે ગાડીઓમાંથી દારૂની બોટલો અન્ય ટુ-વ્હીલરમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સાથે સાથે ત્યાં છ માણસો હોવાનું પણ નજરે પડ્યું હતું.
પોલીસે દરોડો પાડતાં તમામ માણસો ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે બે લક્ઝરીયસ ગાડીઓ અને બે સ્કૂટર ચેક કરતાં ગાડીઓમાંથી રૂ. 10.97 લાખની કિંમતની 2,628 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે 10.97 લાખનો દારૂ તથા લક્ઝરીયસ ગાડીઓ અને સ્કૂટર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ બાબતે પોલીસે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર