થાણે: થાણેની અદાલતે 2016માં હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષીદારોએ ફેરવી તોળ્યું હોવાનું, અવિશ્ર્વનીય જુબાની તેમ જ સ્વતંત્ર પુરાવાનો અભાવ હોવાનું નોંધીને બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ ડેવલપર મોહંમદ ખ્વાજા શેખ (25) અને ઇરફાન અબ્દુલ માજીદ ખાનને નિર્દોષ છોડ્યા હતા. બંને પર ભારતીય દંડસંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 324 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), 34 (સમાન હેતુ) સહિત ઇન્ડિયન આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ આરોપ મુકાયા હતા.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર પચીસમી માર્ચ, 2016ના રોજ મુંબ્રામાં સમ્રાટનગર મસ્જિદ નજીક અથડામણ થઇ હતી. આરોપીઓએ તેમના સગીર મિત્ર અને ફરાર સાથીદારો સાથે મળીને ફરિયાદી સમશેર સિદ્દીકી તથા તેના પિતા અનવર સિદ્દીકી પર તલવાર, બેટ અને બાંબુથી હુમલો કર્યો હતો.જોકે ટ્રાયલ દરમિયાન ફરિયાદી સમશેર સિદ્દીકી સહિત તપાસકર્તા પક્ષના મુખ્ય સાક્ષીદારોએ ફેરવી તોળ્યું હતું. ઘાયલ સાક્ષીદાર અનવર સિદ્દીકીએ આરોપીઓને ઓળખી કાઢ્યા હતા.
જોકે ઊલટતપાસ દરમિયાન તેની જુબાનીની વિશ્ર્વસનીયતા સામે પ્રશ્ર્નાર્થ ઊભો કરવામાં આવ્યો હતો, જ્યારે તેણે સ્વીકાર્યું હતું કે તે મરાઠી વાંચી કે સમજી શકતો નથી. પોલીસ શું લખે છે તે જાણતો નહોતો અને ચકાસણી વિના તેના નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે તબીબી પુરાવા તલવારથી હત્યાના પ્રયાસના આરોપને સમર્થન આપવામાં નિષ્ફળ ગયા. (પીટીઆઇ)