Wed Sep 09 2026

Logo

વર્ધામાં 55 વર્ષના પ્રૌઢ પર વાઘનો હુમલો: નીડરતાથી વાઘ સામે બાથ ભીડીને બચાવ્યો જીવ

2026-08-17 16:11:04
Author: Mumbai Samachar Team
વર્ધામાં 55 વર્ષના પ્રૌઢ પર વાઘનો હુમલો: નીડરતાથી વાઘ સામે બાથ ભીડીને બચાવ્યો જીવ

વર્ધા: વર્ધા જિલ્લામાં હિંગનઘાટ તાલુકાના ધામનગામ વિસ્તારમાં બકરીઓ ચરાવવા ગયેલા પ્રૌઢ વયના ખેડૂતે વાઘ સામે બાથ ભીડી હોવાનો કિસ્સો બન્યો હતો. પંચાવન વર્ષના પ્રૌઢ ગજાનન સુર્યભાનજી નાગોસે પર અચાનક વાઘે હુમલો કરતા આ વ્યક્તિનો જીવ તાળવે ચોંટી ગયો હતો, પરંતુ સમયસર હિંમત અને સમયસૂચકતાને કારણે તેમણે વાઘનો સામનો કર્યો હતો. જોકે, જોર જોરથી બૂમાબૂમ કરી મૂકતા વાઘ તેને છોડીને જંગલ તરફ દોડી ગયો હતો. 

મળતી માહિતી અનુસાર વાઘનો સામનો કરી બૂમાબૂમ કરતા વાઘ ગભરાઈ જતા એ શખસને મૂકીને ભાગી નીકળ્યો હતો. આ હુમલામાં નાગોસેની પગ, માથાના ભાગે અને પીઠ પર ઈજા પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવારાર્થે હિંગનઘાટ ઉપજિલ્લા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો. 

અધિકારીઓએ હુમલાથી સંકળાયેલી પરિસ્થિતિ અને વાઘની ગતિવિધીઓની જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ધામનગામ અને આસપાસના વિસ્તારોમાં ગ્રામીણો અને પશુપાલકો વચ્ચે ડરનો માહોલ ઊભો થયો હતો. 

લોકોને જંગલ અને ખેતરોની તરફ એકલા ન જવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગ્રામીણોએ વન વિભાગના વિસ્તારોમાં વાઘની હાજરી જોતા સુરક્ષા માટે જરૂરી પગલાં ઉપાડવાની માગ કરી હતી. બીજી તરફ નાગોસેની હિંમત અને સાહસની ચર્ચાઓ થઈ રહી છે.