Mon Oct 05 2026

Logo

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પાટીદારોને ટિકિટ નહીં આપી અન્યાય કર્યાની પત્રિકા વાયરલ થતાં ચકચાર

2026-09-30 11:00:28
Author: Mayur Patel
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પાટીદારોને ટિકિટ નહીં આપી અન્યાય કર્યાની પત્રિકા વાયરલ થતાં ચકચાર

ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.  ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો એકેય બેઠક બિનહરીફ કરાવી શક્યા નહોતા. 11 વોર્ડની 44 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રાજકીય જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસના 44-44, આમ આદમી પાર્ટીના 32, બહુજન સમાજ પાર્ટી તથા અપક્ષો મળીને અન્ય 10 ઉમેદવારો ચૂંટણી લડશે. આ દરમિયાન ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પાટીદારોને ટિકિટ નહીં આપી અન્યાય કર્યાની પત્રિકા વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

ગાંધીનગરના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક અનામી પત્રિકા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ચૂંટણી ટાણે સામે આવેલી આ પત્રિકામાં સ્થાનિક માણસા પાટીદાર સમાજ સાથે અન્યાય અને ઉપેક્ષા થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે સંગઠન અને પક્ષના સમીકરણોમાં ખળભળાટ મચી ગયો છે.

સોશિયલ મીડિયામાં ફરતી થયેલી પત્રિકામાં જણાવાયું છે કે વોર્ડ નં. 10માં માણસા પાટીદાર સમાજ સૌથી વધુ વસ્તી અને નિર્ણાયક મતબેંક ધરાવે છે. વર્ષોથી આ સમાજ નિષ્ઠાપૂર્વક ભાજપની પડખે ઊભો રહીને પક્ષને વિજય અપાવતો આવ્યો છે. આમ છતાં, આ વખતે ટિકિટ વિતરણમાં નિર્ણાયક પ્રભુત્વ ધરાવતા માણસા પાટીદાર સમાજના એક પણ દાવેદારને ટિકિટ આપવામાં આવી નથી. બીજી તરફ, માત્ર 500 જેટલા મત ધરાવતા રાયસણ સમાજના એક ચોક્કસ જૂથમાંથી એકસાથે બે ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવાતાં સમાજમાં પક્ષપાતી વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વાયરલ પત્રિકામાં ‘જાગો સ્વાભિમાન જગાડો - હક અને અધિકારની લડાઈ’ શીર્ષક હેઠળ ખુલ્લો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે માણસા પાટીદાર સમાજના 'રૂપિયો એકતાલીસ ગામ' અને 'પાયલી અડતાલીસ ગામ' સમાજ એક થઈને કુલ 'સવા રૂપિયો'ની એકતા સાથે પોતાની તાકાત બતાવશે. પક્ષે સમાજની વફાદારીને મજબૂરી સમજી લીધી હોવાથી હવે પોતાના સ્વાભિમાન અને હક માટે અવાજ ઉઠાવવો અનિવાર્ય બની ગયો હોવાનો સૂર પત્રિકામાં વ્યક્ત કરાયો છે.

પત્રિકાના અંતમાં વોર્ડ નં. 10ના માણસા પાટીદાર સમાજ અને વિસ્તારના જાગૃત નાગરિકોને ‘જો જગ્યા નહીં, તો હવે વોટ પણ નહીં’ નો નારો આપી એકજૂટ થવા અપીલ કરવામાં આવી છે. આગામી મતદાનના દિવસે ભાજપ વિરુદ્ધ મતદાન કરી સમાજની ઉપેક્ષાનું કેવું મોટું પરિણામ આવી શકે તેનો અહેસાસ કરાવવાની ખુલ્લી ચીમકી અપાઈ છે.

નોંધનીય છે કે આ પત્રિકામાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી, પરંતુ નિવેદક તરીકે ‘સમસ્ત માણસા પાટીદાર સમાજ (રૂપિયો અને પાયલી) તથા જાગૃત નાગરિકો’ દર્શાવવામાં આવ્યા છે.  ગાંધીનગર મનપાનું 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.