Tue Oct 06 2026

Logo

હાઈ કોર્ટના હુકમ છતાં કોન્સ્ટેબલની પુનઃ બદલી ન થતાં ગૃહ સચિવ અને ડીજીપીને અદાલતી તિરસ્કારની નોટિસ

2026-09-30 12:35:22
Author: Mayur Patel
હાઈ કોર્ટના હુકમ છતાં કોન્સ્ટેબલની પુનઃ બદલી ન થતાં ગૃહ સચિવ અને ડીજીપીને અદાલતી તિરસ્કારની નોટિસ

ભુજઃ ગુજરાત હાઈ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં એક પોલીસ કોન્સ્ટેબલને તેની મૂળ જગ્યાએ પુનઃ બદલી ન અપાતાં અદાલતે આકરી નારાજગી વ્યક્ત કરી છે. કોન્સ્ટેબલ દ્વારા દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પટ ઓફ કોર્ટ (અદાલતી તિરસ્કાર) અરજીની સુનાવણી બાદ હાઈ કોર્ટે રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજીવ કુમાર અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જી. એસ. મલિકને નોટિસ પાઠવી આગામી ૧૫ ઓક્ટોબર સુધીમાં ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો હતો.

શું છે મામલો

સમગ્ર મામલાની વિગત મુજબ, મોરબીથી પૂર્વ કચ્છ ખાતે કોન્સ્ટેબલ કામેશકુમાર મકવાણાની આંતર-જિલ્લા બદલી કરવામાં આવી હતી. આ બદલીના હુકમમાં કોઈ ચોક્કસ વહીવટી જરૂરિયાત કે અનિવાર્ય કારણ દર્શાવવામાં આવ્યું ન હોવાથી, ગત ઓગસ્ટ માસમાં હાઈ કોર્ટે આ બદલી હુકમ રદબાતલ ઠેરવ્યો હતો. અદાલતે પોલીસ મેન્યુઅલ અને પ્રવર્તમાન કાયદાના સંદર્ભ સાથે નોંધ્યું હતું કે યોગ્ય અને સક્ષમ કારણો વિના આવી આંતર-જિલ્લા બદલી કરી શકાય નહીં. આ સાથે અદાલતે સક્ષમ સત્તાધીશોને કોન્સ્ટેબલ મકવાણાને પુનઃ મોરબી જિલ્લામાં બદલી આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.

જોકે, હાઈ કોર્ટના આદેશ છતાં પોલીસ તંત્ર દ્વારા કામેશકુમાર મકવાણાને મોરબી પરત ન મૂકવામાં આવતાં તેમણે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઈકોર્ટમાં અદાલતી તિરસ્કારની અરજી દાખલ કરી હતી. અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ઉચ્ચ અદાલતના આદેશનું ગૃહ સચિવ અને ડીજીપી દ્વારા પાલન કરવામાં આવ્યું નથી, જે સ્પષ્ટપણે અદાલતની અવમાનના સમાન છે.

જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે. એલ. ઓડેદરાની ખંડપીઠે અરજદારની રજૂઆતો ધ્યાને લઈ બંને ઉચ્ચ અધિકારીઓને નોટિસ જારી કરી હતી અને  ૧૫ ઓક્ટોબર સુધીમાં પોતાનો પ્રત્યુત્તર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)