Tue Aug 18 2026

Logo

યુએઈથી પ્રત્યર્પણ કરાયેલા ડ્રગ્સના સૂત્રધાર વીરેન્દર સિંહ બસોયાને એનસીબી કસ્ટડી

2026-08-16 18:51:27
Author: Yogesh C. Patel
Article Image

પુણે: યુએઈથી તાજેતરમાં પ્રત્યર્પણ દ્વારા ભારત લવાયેલા કથિત ‘ડ્રગ કિંગપિન’ વીરેન્દર સિંહ બસોયાને રવિવો પુણેની કોર્ટે 21 ઑગસ્ટ સુધીની એનસીબી કસ્ટડી ફટકારી હતી.

કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસના સૂત્રધાર બસોયાની નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ધરપકડ કરી હતી. દિલ્હીની કોર્ટે શુક્રવારે તેને મહારાષ્ટ્રમાં લાવવા માટે ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા. પુણે લવાયેલા બસોયાને રવિવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે પુણેની કોર્ટમાં હાજર કરાયો હતો.

એનસીબી વતી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી લાંબા સમયથી વિદેશમાં રહેતો હતો. ડ્રગ્સ સંબંધી અનેક તેનું નામ સામે આવ્યું હતું. ડ્રગ્સની હેરફેરના મોટા રૅકેટમાં તેની મુખ્ય ભૂમિકા હોવાની શક્યતા છે.

ડ્રગ્સની સપ્લાય એક ગંભીર ગુનો છે, એવી નોંધ કરીને તપાસકર્તા પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે એનસીબી અને પોલીસે હાથ ધરેલાં ઑપરેશન્સ દરમિયાન લગભગ 9000 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. 

પુણે પોલીસે પણ પુણેના વિશ્રાંતવાડી અને દિલ્હીમાંથી મોટે પાયે ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેમાં બસોયાની સંડોવણી સામે આવી હતી. એ કેસમાં ઘણા બધા આરોપી છે અને તેમની સાથે બસોયાની ભૂમિકા વિશે પૂછપરછ કરવી જરૂરી છે. આ કેસના અન્ય આરોપીઓની શોધ ચાલી રહી હોવાથી બસોયાની છ દિવસની એનસીબી કસ્ટડીની માગણી કરાઈ હતી.

જોકે બસોયાના વકીલે જણાવ્યું હતું કે તેના અસીલને માત્ર ચાર દિવસની કસ્ટડી આપવામાં આવે. બન્ને પક્ષને સાંભળ્યા પછી કોર્ટે તેને 21 ઑગસ્ટ સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

પુણેમાં 2024માં જપ્ત કરાયેલા 500 ગ્રામ મેફેડ્રોનના કેસની તપાસમાં બસોયાની સંડોવણી સામે આવી હતી. બાદમાં પોલીસે આખા ડ્રગ તસ્કરીના નેટવર્કને પકડી પાડ્યું હતું. તે સમયે પુણેમાંથી 867 કિલો અને દિલ્હીથી 970 કિલો મળી 1,837 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.

વિદેશથી ડ્રગ્સ સિન્ડિકેટનું સૂત્રસંચાલન કરતો બસોયા પુણેના કેસનો સૂત્રધાર ગણાય છે. ભારતમાંથી બીજા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં પણ તેની ભૂમિકા હોવાનું જણાયું છે. કોકેનની ઈન્ટરનેશનલ તસ્કરીના દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના કેસમાં પણ તેનું નામ સંડોવાયેલું છે.

(પીટીઆઈ)