Wed Aug 19 2026

Logo

ગાડીઓ ભાડે આપતી ગો વીથ ઝૂપની 15 ગાડી ગ્રાહકો લઇ ગયા હોવાની ફરિયાદ

2026-08-17 20:13:54
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ તમારી મનપસંદ ગાડી તમને ચોક્કસ સમય માટે ભાડે મળી જાય અને સેલ્ફ ડ્રાઇવ કરી જવાય તેવી સુવિધા આપતી અમદાવાદની ગો વિથ ઝૂપ કંપનીની 15 ગાડીઓ જુદા જુદા સમયે જુદા જુદા ગ્રાહકો લઈ ગયા અને ત્યાર બાદ ગાડીના જીપીએસ બંધ કરી દીધા અને ફોન સ્વિચ્ડ ઓફ કરી દીધા છે. આ બાબતે કંપનીના માલિક  સૌરભ મોહનભાઈ ગુપ્તાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ભટ્ટે વધુ તપાસ શરૂ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

તમારી મનપસંદ ગાડી પસંદ કરીને લઈ જવાની, તેના માટે એડવાન્સમાં ભાડું ચૂકવવાનું તથા ઓફિસમાં લાઇસન્સ અને એક જામીનનું કાર્ડ જમા કરાવવાનું—આવી સેવા ઘણા લાંબા સમયથી અમદાવાદમાં ઠેર ઠેર ચાલી રહી છે.ત્યારે અમદાવાદમાં ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે ગો વિથ ઝૂપની ઓફિસ ધરાવતા સૌરભ ગુપ્તાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમની અમદાવાદ અને રાજસ્થાનમાં કુલ 15 ઓફિસ છે.

તેમની પાસે હાલ ભાડે આપવા માટે 362 ગાડી છે, જે પૈકી 82 ગાડી તેમની માલિકીની છે. હવે જુદા જુદા સમયે તેમની ચાર થાર, એક ઔડી, ફોર્ચ્યુનર, સ્વિફ્ટ, અર્ટિગા, સ્કોર્પિયો સહિતની 15 ગાડી તેમણે ભાડે આપી હતી. દરેક ગાડીમાં એક કરતાં વધારે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોય છે. નિયત સમય પૂરો થાય કે તરત જ ઓફિસથી ભાડે લઈ જનારને ફોન કરવામાં આવતો હોય છે અને ગાડી જે રૂટ પર જવાની હોય તેના સિવાય પણ જાય તો તેના માટે પણ પૂછપરછ કરવામાં આવતી હોય છે.

હવે આવી 15 ગાડી ભાડે લઈ જવાયા બાદ જે લોકો ગાડી ભાડે લઈ ગયા હતા, તેમણે ગાડીના જીપીએસ બંધ કરી દીધા છે અને ફોન પણ બંધ કરી દીધા છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ગાડી ભાડે લઈ જનારામાં અમદાવાદ, ખેડા, વિસનગર, સાબરકાંઠા, પંચમહાલ અને રાજસ્થાનના ગ્રાહકોનો સમાવેશ થાય છે. જેમાં લક્ષ્મણ વિભાભાઈ ભરવાડ (ગાયત્રીનગર, લીંબાસી, ખેડા), મુકેશ વીરાજી પ્રજાપતિ (મિરઝાપુર), દીપક અમિત ખત્રી (નોબલ સ્કૂલની બાજુમાં, મહાસુખનગર), રૂષિલ વિપુલ શાહ (રત્નદીપ ટાવર, ઘાટલોડિયા), ધ્રુવ સંજય પ્રજાપતિ (કુંભારવાસ, વિસનગર), અબ્દુલ સુવાનખાન રઝાક (પાલી, રાજસ્થાન), અરવિંદ રમણભાઈ પ્રજાપતિ (આંજણા ગામ, સાબરકાંઠા), રવિકુમાર કિરીટકુમાર મહેતા (પાલડી, એલિસબ્રિજ), જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકી (જાફરાબાદ, ગોધરા, પંચમહાલ), ઉત્સવ પરાગ શેઠ (પાલડી, વાસણા)નો સમાવેશ થાય છે.