Mon Jul 27 2026

Logo

હેડ-કોચ લક્ષ્મણે વૈભવના ખૂબ વખાણ કર્યા પછી આપી આ ચેતવણી

Harare   2026-07-27 17:11:07
Author: Ajay Motiwala
Article Image

હરારેઃ ઝિમ્બાબ્વે સામે રવિવારે પૂરી થયેલી ત્રણ મૅચની ટી-20 સિરીઝના અંતિમ મુકાબલાના મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ વિજેતા વૈભવ સૂર્યવંશીના આ શ્રેણી માટેના હેડ-કોચ વીવીએસ લક્ષ્મણે ભારોભાર વખાણ કર્યા છે, પરંતુ તેના માટે એક ચેતવણીનો ઉલ્લેખ પણ પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો છે.

ભારત-ઝિમ્બાબ્વે સિરીઝમાં વૈભવ (Vaibhav)ના 151 રન તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ હતા. આયરલૅન્ડની ટૂરમાં તેને નહોતો રમાડવામાં આવ્યો જેને પગલે ભારતનો 0-2થી પરાજય થયો હતો અને પછી ઇંગ્લૅન્ડમાં તેને ડેબ્યૂ કરવાનો મોકો તો મળ્યો, પણ ફક્ત 14, 13 અને 15 રનની ઇનિંગ્સની મદદથી સિરીઝમાં માત્ર 42 રન બનાવ્યા હતા. ભારતનો ઇંગ્લૅન્ડ સામે 0-4થી પરાભવ થયો હતો. એ સિરીઝમાં વૈભવ સારું નહોતો રમી શક્યો, પણ ઝિમ્બાબ્વેમાં 196.10ના સ્ટ્રાઇક-રેટ સાથે હાઇએસ્ટ 151 રન સાથે તેણે કૅપ્ટન શ્રેયસ ઐયરને ટ્રોફી જીતવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતે ઝિમ્બાબ્વે સામે 3-0થી ક્લીન સ્વીપ કરી છે.

લક્ષ્મણે વૈભવ વિશે શું કહ્યું?

ગૌતમ ગંભીરને કોચિંગની જવાબદારીમાંથી થોડો સમય આરામ અપાયો છે અને લક્ષ્મણ (Laxman)ને ઝિમ્બાબ્વે મોકલવામાં આવ્યો હતો. લક્ષ્મણે વૈભવની પ્રશંસા કરવાની સાથે એવું પણ કહ્યું છે કે વૈભવે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવું પડશે. લક્ષ્મણે કહ્યું, `ટીમ ઇન્ડિયા ઇચ્છે છે કે વૈભવ કોઈ પણ હાલમાં પોતાની ફિટનેસ વિશે સતર્ક રહે. તે હજી બહુ નાનો છે. તે આ રમતની દરેક બાબતમાં સારું પર્ફોર્મ કરવા તેમ જ સુધારો કરતા રહેવા માગે છે. આજે (રવિવારે) જ્યારે તેને ફીલ્ડિંગ દરમ્યાન ઈજા થઈ તો તેણે મેદાન પર જ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ અમારા ફિઝિયોએ તેને મેદાનની બહાર આવતા રહેવા કહ્યું હતું.'

વૈભવ માટે ફિટનેસ કેમ મહત્ત્વની?

લક્ષ્મણના મતે `વૈભવે ફિટનેસ પર વિશેષ લક્ષ આપવાનું જરૂરી એ માટે છે કે આ જ એક બાબત છે જેને આધારે તે લાંબી કરીઅર માણી શકશે. માનસિક અને શારીરિક રીતે તે ફિટ હશે તો જ ટેસ્ટ તેમ જ વન-ડેમાં પણ દમદાર રમી શકશે. બિગ શૉટ રમવા એ જ ક્રિકેટનો અર્થ નથી. લાંબી ઇનિંગ્સ રમવા માટે સારી ફિટનેસની જરૂર પડતી હોય છે. સતત સારું તો જ રમી શકાય જો ફિટનેસ સારી હોય અને એનું સૌથી મોટું ઉદાહરણ છે વિરાટ કોહલી. ફિટનેસ થકી જ તે અસાધારણથી માંડીને મહાન ખેલાડી બનવા સુધીની સફર કરી શક્યો છે. સૂર્યવંશી જો ફિટનેસ પર વધુ ધ્યાન આપશે તો ચોક્કસ તે મોટી સફળતાઓ હાંસલ કરવાની શક્તિ ધરાવે છે.'