(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લાં ત્રણ વર્ષથી ટેકનિકલ અને કરારના મુદ્દાઓને કારણે રખડી પડેલી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની નવી ૧૫૦ ઈલેક્ટ્રિક એસી બસને સેવામાં દાખલ કરવામાં ફરી એક વખત અવરોધ નિર્માણ થયો છે. નવી બસની હાઈટને કારણે અમુક રૂટ પર આ નવી બસ દોડાવવાની શક્ય ન હોવાનું જણાઈ આવ્યું છે.
બેસ્ટના કાફલામાં હાલમાં રસ્તા પર દોડી રહેલી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસોની ઊંચાઈ ૪૫૮ સેન્ટીમીટરની છે, જ્યારે નવી ૧૫૦ બસ ૪૭૫ સે.મી. ઊંચી છે. બસની ઊંચાઈ ૧૭ સે.મી. વધુ હોવાથી આ બસો કેટલાક મહત્ત્વપૂર્ણ રૂટ પર દોડાવી શકાતી નથી. બેસ્ટે ૨૦૨૨ની સાલમાં ૨૦૦ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં ફક્ત ૫૦ બસને જ બેસ્ટ પોતાના કાફલામાં સામેલ કરી શક્યું છે.
બાકીની ૧૫૦ બસનો પુરવઠો વિવિધ કારણોસર મોડો પડ્યો હતો. કરારની શરતો અને ટેકનિકલ પાસાઓથી ઉદ્ભવતો વિવાદ એટર્ની જનરલ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ સમિતિએ કરારની શરતોની તપાસ કરી અને કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ કિંમતમાં નાના ફેરફારો માટે મંજૂરીની ભલામણ કરી.
આ પ્રક્રિયા પછી ઈવીએસસી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કૉન્ટ્રેક્ટર કંપનીને પ્રતિ બસ વધારાની રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ બસો ટૂંક સમયમાં કાફલામાં સામેલ કરવામાં આવશે. જોકે બસોની વધેલી ઊંચાઈએ બેસ્ટ માટે નવી મૂંઝવણ ઊભી કરી છે.