વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પતિ સાથે અણબનાવ થતાં યુવતી કાકાના ઘરે રહેતી હતી. પ્રેમી સાથે મોજશોખ કરવા મોટા પપ્પાના ઘરે જ તેણે રૂ. 5.15 લાખની ચોરી કરી હતી.
વડોદરા શહેરમાં મોજશોખ અને ફરવાના શોખ પૂરા કરવા માટે સગી ભત્રીજીએ જ પોતાના જ કાકાના ઘરમાં ચોરી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. તિજોરીમાંથી રૂ. 5.15 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી પ્રેમી સાથે સહેલગાહે નીકળેલી યુવતી અને તેના પ્રેમીને ગોરવા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા.
ઘરની તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ ચાંદીની પાયલ ગાયબ થતાં પરિવારજનોએ ગોરવા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદીની 21 વર્ષીય ભત્રીજીએ જ તકનો લાભ લઈને આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ યુવતીએ એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં આ દાગીના ગિરવે મૂકીને રૂ. 3.50 લાખ મેળવી લીધા હતા.
હાથમાં રોકડ આવતા જ યુવતી તેના 32 વર્ષીય પ્રેમી સાથે ફરવા જતી રહી હતી. બંનેએ દાગીના ગિરવે મૂકીને મેળવેલા રૂ.3.50 લાખની રકમ મોજશોખ અને ફરવામાં વાપરી નાખી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને છેલ્લા 6 મહિનાથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 5.15 લાખના તમામ દાગીના રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.