Sat Sep 05 2026

Logo

વડોદરામાં સરકારી કચેરી પણ સલામત નથી? નર્મદા ભવનમાંથી પંખા અને એલઈડી લાઈટોની ચોરી

2026-07-30 19:13:41
Author: Devayat Khatana
વડોદરામાં સરકારી કચેરી પણ સલામત નથી? નર્મદા ભવનમાંથી પંખા અને એલઈડી લાઈટોની ચોરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
વડોદરામાં પોલીસ ભવનની નજીક આવેલા સરકારી સંકુલ નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નર્મદા ભવનના છઠ્ઠા માળે આવેલી 'અધિક નોંધણી સર નિરીક્ષક' ની કચેરીમાંથી ચોરો સિલિંગ ફેન અને એલઇડી લાઈટો ચોરી ગયા હતા. આ કચેરીનું તાજેતરમાં જ દિવાળીપુરા ખાતે નવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને જૂની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, જેનો ફાયદો ઉઠાવીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

ફરિયાદમાં નોંધવામાં આવેલી વિગતો અનુસાર, કચેરીના રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાની નીચેના ભાગનું પ્લાય તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ રૂમમાંથી ક્રોમ્પ્ટન કંપનીના 10 સિલિંગ ફેન જેની કિંમત રૂ. 10,000 અને એન્કર કંપનીની 12 એલઇડી લાઈટો જેની કિંમત રૂ. 6000 મળીને કુલ રૂ. 16,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. જો કે 18 જૂલાઈના રોજ થયેલી ચોરીની દસ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. 

આ ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે 28 જુલાઈના રોજ સાંજે કચેરીના આઉટસોર્સ સેવક રૂટિન તપાસ માટે ગયા હતા. ત્યારબાદ, મદદનીશ નોંધણી સર નિરીક્ષક સૂર્યકાંત હઠીલા દ્વારા રાવપુરા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે બીએનએસની કલમ 305(ઇ), 331(3), અને 331(4) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે સરકારી કચેરીમાં જ ચોરી થતાં સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા હતા.