Wed Jun 03 2026

Logo

પહેલી ઓક્ટોબરથી PUC વિના નહીં મળે પેટ્રોલ-ડીઝલ: UP સરકારનો મોટો નિર્ણય

2026-06-03 20:56:19
Author: Mumbai Samachar Team
Article Image

NCRના 8 જિલ્લાના પેટ્રોલ પંપ પર લાગશે ANPR કેમેરા; પ્રદૂષણ ઘટાડવા 'નો પીયુસી, નો ફ્યુઅલ' નીતિ

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના જિલ્લાઓમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ એસ.પી. ગોયલે આજે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2026થી એનસીઆરના આઠ જિલ્લાઓમાં માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસીસી) વિનાના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં. આ સિસ્ટમ લાગુ કરવા માટે રાજ્યના 1,041 પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા સ્થાપિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના આઠ જિલ્લાઓ ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુર, બુલંદશહેર, મેરઠ, મુઝફ્ફરનગર, બાગપત અને શામલી એનસીઆરનો ભાગ છે, જેમાં હરિયાણા, રાજસ્થાન અને સમગ્ર દિલ્હીના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં તેમાં વધારો જોવા મળે છે.

હવા ગુણવત્તા સુધારણા અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં બોલતા મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2026 સુધીમાં એનસીઆર ક્ષેત્રમાં પ્રદૂષણનું સ્તર 30થી 35 ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે તમામ સંબંધિત વિભાગોને સંકલિત અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે નાગરિકોની ભાગીદારી વધારવા અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં વાહનોના ઉત્સર્જન, ઔદ્યોગિક પ્રદૂષણ, રસ્તાની ધૂળ, બાંધકામ અને કચરાના વ્યવસ્થાપન, ગ્રીન કવર વિસ્તાર અને પરાળી વ્યવસ્થાપન સંબંધિત પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. 
સરકાર "નો પીયુસીસી, નો ફ્યુઅલ" નીતિ તેમજ જૂના અને પ્રદૂષિત વાહનોને તબક્કાવાર બંધ કરવાની યોજના પર પણ કામ કરી રહી છે. "નયા સફર" યોજના હેઠળ બીએસ-6, સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપશે.

સરકારી આંકડા અનુસાર, એનસીઆર જિલ્લાઓમાં લગભગ 26.19 લાખ વાહનોનો સમય પૂરો થઈ ચૂક્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન, 37,156 વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા હતા, જ્યારે 460 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.